કૌશલ્ય હશે તો કામ શોધતું આવશે

કૌશલ્ય હશે તો કામ શોધતું આવશે
ભુજ, તા. 26 : જેમની પાસે કૌશલ્ય હશે તેમને કામ જાતે શોધતું આવશે તેવું અદાણી ફાઉન્ડેશનના યુનિટ હેડ પંક્તિબેન શાહે ભુજમાં જનરલ નર્સિંગ હેલ્થ કેર અને બ્યુટીપાર્લરની ત્રણ મહિનાની તાલીમ મેળવનાર તાલીમાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું. અદાણી સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્ર દ્વારા પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આ તાલીમ અપાઈ હતી. આ પ્રસંગે માહિતી અપાઈ હતી કે નર્સિંગની તાલીમ લેનારા 50 પૈકી 20 બહેનોને પ્રમાણપત્ર મળે એ પહેલાં જ નર્સિંગ હેલ્થેકેરમાં નિમણૂક મળી ગઈ હોવાનું અને બાકી રહેલા તાલીમાર્થીઓની નિયુક્તિ માટે તજવીજ શરૂ કરાઈ છે. સમારંભમાં જીડીએ નર્સિંગ કોર્સ અને બ્યુટીપાર્લર સહિતના 110 તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અપાયા હતા. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિની ઉપસ્થિતિમાં અત્યાર સુધીના તાલીમાર્થીઓની સાફલ્યગાથા પ્રસ્તુત કરતી પુસ્તિકાનું વિમોચન પણ કરાયું હતું. ડો. પ્રજાપતિએ કહ્યું કે આજે કોઈપણ ક્ષેત્રમાં કૌશલ્ય ધરાવતા વર્ગની સમાજને જરૂર છે. કૌશલ્યપ્રાપ્ત વ્યક્તિ ક્યારે બેકાર નહીં રહે. સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક વી.આર. રોહિતે યુવાનોને સંદેશો આપતાં કહ્યું કે, ડીગ્રી ભલે બે હાથે મેળવો પણ કૌશલ્યવર્ધનથી એક હાથ સલામત રાખજો તો તમે સમાજ માટે ક્યારેય બોજારૂપ નહીં બનો. પ્રારંભમાં ભુજ સ્થિત અદાણી ડેવ.ના વડા સાગર કોટકે સ્વાગત પ્રવચન કરી જણાવ્યું કે પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનામાં અનુસૂચિત જાતિની તથા વિધવા મહિલાઓ સહિતને રોજગારલક્ષી તાલીમ અપાઈ હતી. રોજગારીપ્રાપ્ત તાલીમાર્થીઓએ પ્રતિભાવ આપ્યા હતા. કેન્દ્રના નીરવ લેઉવાએ સંચાલન કર્યું હતું. એ ગ્રેડ પ્રાપ્ત તાલીમાર્થીઓને કિટ અપાઈ હતી. કેન્દ્રના તાલીમ સંચાલક પૂર્વી ગોસ્વામીએ આભારવિધિ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer