ગઢવી સમાજની પ્રગતિ માટે વિવિધ નિર્ણય લેવાયા

ગઢવી સમાજની પ્રગતિ માટે વિવિધ નિર્ણય લેવાયા
ભુજ, તા. 26 : તાજેતરમાં અહીં યોજાયેલી કચ્છ ગઢવી સામાજિક ઉત્કર્ષ ટ્રસ્ટની સામાન્ય સભામાં સમાજના ઉત્થાન અને પ્રગતિ માટે અનેક નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ સભામાં ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવતા સમૂહલગ્ન, વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા જરૂરિયાતમંદોને રાશનકિટ વિતરણ જેવી બહુવિધ સેવાકીય કામગીરીની સમીક્ષા કરી આગામી દિવસોમાં નેત્રદીપક સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય એ અનુસંધાને જ્ઞાતિજનો સાથે મનોમંથન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં ટ્રસ્ટના હોદ્દેદારો અને કારોબારી સભ્યોનું આગામી ત્રણ વરસ માટે પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ બંધારણીય ઢબે યોજાયેલી આ કાર્યવાહીમાં વર્તમાન પ્રમુખ જબરદાનભાઇ ગઢવીની સંવેદનશીલ અને દીર્ઘદૃષ્ટિયુક્ત સમાજ ઉપયોગી કામગીરીને બિરદાવીને બિનહરીફ રીતે આજીવન પ્રમુખ તરીકે વરણી કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. જબરદાનભાઇએ આદિપુર મધ્યે પોતાની અત્યંત કિંમતી જમીન સમાજની દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવવા અર્થે અર્પણ કરી છે જે અનુસંધાને તેમના આ અમૂલ્ય અને ઐતિહાસિક યોગદાન બદલ સૌ જ્ઞાતિજનો દ્વારા આભાર વ્યક્ત કરી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપપ્રમુખપદે જયંતીદાન ગઢવી તથા નરેન્દ્રદાન રવદાન ગઢવી, મહામંત્રી તરીકે કિશોરદાન ગઢવી (ભારાપર), મંત્રીપદે મોરારદાન ગોપાલદાન ગઢવી, આનંદદાન હરિદાન ગઢવી, સહમંત્રીપદે વસંતદાન ઇશ્વરદાન ગઢવી, ખજાનચી તરીકે શાંતુભાઇ ગોપાલજી ગઢવી, લીગલ સેલમાં અંબાદાન પાયક, આશિષદાન ગઢવીની તથા કારોબારી સભ્યો તરીકે ભગવાનભાઇ અયાચી, મહિદાનભાઇ રેઢ, વસંતદાન પાયક, સુરેશદાન સુરતાણિયા, નરસિંહદાન ગઢવી (મોરજર), ફતેહદાન રેઢ, કિરીટદાન ગઢવી, ભરતભાઇ ગઢવી (માધાપર), દેવદત્તભાઇ પાયક, કિશોરદાન ગઢવી (માધાપર), શંભુદાન સિંહઢાયચ, દિનેશદાન ખડિયા, ઘનશ્યામભાઇ વાઘજી ગઢવી, સાત્ત્વિકદાન ગઢવી, રઘુવીરદાન ગઢવી, આનંદદાન નરપતદાન ગઢવીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. સૌ ઉપસ્થિત જ્ઞાતિજનોએ તમામ હોદ્દેદારો અને સભ્યોની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer