નખત્રાણામાં ખેડૂતોએ આપ્યો વર્તારો : ચાલુ વર્ષે સારો વરસાદ થવાના યોગ

નખત્રાણામાં ખેડૂતોએ આપ્યો વર્તારો : ચાલુ વર્ષે સારો વરસાદ થવાના યોગ
નખત્રાણા, તા. 26 : ચોમાસું શરૂ?થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ, વાતાવરણ ફેરફાર, હવાની દિશા, આકાશમાં સૂર્ય-ચંદ્રની સ્થિતિ પરથી અહીંના ખેડૂતો દ્વારા મળેલી બેઠકમાં ચાલુ વરસે સારો વરસાદ પડશે તેવા અનુમાન સાથે વરસાદનો વર્તારો અપાયો હતો. હરિપુરા (અમરગઢ)ના ખેડૂત જયંતીભાઇ રતનશી હળપાણી પ્રગતિશીલ ખેડૂત છે. આગામી ચોમાસામાં વરસાદ માટે કહ્યું હતું કે, અખાત્રીજનો બપોરનો પડછાયો બે ફૂટ તથા લાકડીનો પડછાયો ચાર આંગળી જેટલો હોતાં, તે જ દિવસે સાંજે સૂરજ આથમ્યો તેનાથી ચંદ્ર ઉત્તર બાજુ આથમશે જેના કારણે સારો વરસાદ પડવાના અનુમાન સાથે સંભાવના છે. તો આગામી તા. 16/6, 2/7, 2/8/19થી 10 દિવસ સારો વરસાદ પડવાની વકી છે. તો ચોમાસું સપ્ટેમ્બર સુધી ચાલશે. પાલનપુર (બાડી)ના હસમુખભાઇ?અબજી પારસિયાએ હોળીની ઝાળ, અખાત્રીજના પવનની દિશા, તેના આધારિત ઓશિયા બંધાણા, તેની તારીખ?પરથી વરસાદ સારો પડશે તો વીજળીનો પ્રકોપ પણ વધારે રહેશે તેવી સંભાવના સાથે તારીખ પ્રમાણે વરસાદનો વર્તારો આપ્યો હતો. હરેરામભાઇ?ભગતે પણ સૂર્ય-ચંદ્રની ચાલ, વનરાઇનો ડોળ, ચૈત્ર માસમાં નક્ષત્રની ચાલ પરથી ચાલુ વરસે ભડલી વાક્ય પ્રમાણે વરસાદ સારો પડશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. આ બેઠકમાં છગનભાઇ રામાણી, ભીમજીભાઇ?રૈયાણી, તુલસીદાસભાઇ?રૈયાણી સહિત ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer