ભુજના જયેષ્ઠાનગરમાં ઘરમાં ચાલતો જુગારનો અડ્ડો ઝપટે

ભુજના જયેષ્ઠાનગરમાં ઘરમાં ચાલતો જુગારનો અડ્ડો ઝપટે
ભુજ, તા. 26 : શહેરમાં કેમ્પ વિસ્તારમાં જયેષ્ઠાનગર સ્થિત ગણેશ ચોકમાં માજી સુધરાઇ સદસ્યાના પુત્ર એવા જયેશભારથી હસમુખભારથી ગુંસાઇના રહેણાંકના મકાનમાં ચાલતો જુગારનો ગેરકાયદે અડ્ડો આજે પોલીસદળે જિલ્લા સ્તરેથી પાડેલા દરોડામાં ઝપટે ચડયો હતો. આ સ્થળેથી ચાર આરોપીને રૂા. 40,400 રોકડા સાથે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ દરોડા સમયે સંચાલક સહિતના અન્ય ત્રણ તહોમતદાર નાસી ગયા હતા.  પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ આ દરોડામાં ભુજના રાજેશ જીવરામ ભાનુશાલી, હરિભાઇ ગોપાલભાઇ આહીર, મોહસીન સુલેમાન થેબા અને હર્ષદભાઇ રતિલાલ શાહની ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર પોલીસની ગુનાશોધક શાખાએ ધરપકડ કરી હતી.  આ દરોડા સમયે ઘરનો માલિક એવો જુગાર કલબનો સંચાલક જયેશભારથી ગુંસાઇ ઉપરાંત જયેષ્ઠાનગરમાં રહેતો લાલો નામનો શખ્સ તથા ભુજનો જ હીરેન ઉર્ફે બાટલી નામનો શખ્સ પોલીસના હાથમાં આવ્યા ન હતા. આ સાતેય જણ વિરુદ્ધ બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા 45 મુજબ ગુનો દાખલ કરાવાયો હતો. જયેશભારથી માજી સુધરાઈ સદસ્યાનો પુત્ર થાય. આઇ.જી. ડી.બી.વાઘેલા અને એસ.પી. સૌરભ તોલુંબિયાના માર્ગદર્શન તળે એલ.સી.બી.ના કાર્યકારી ઇન્સ્પેકટર એમ.બી. ઓઆસુરાની રાહબરીમાં સ્ટાફના સભ્યોએ આ કામગીરી કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer