અદાણી કંપની દ્વારા મુંદરા, લખપત, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સેવાપ્રવૃત્તિ

અદાણી કંપની દ્વારા મુંદરા, લખપત, અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સેવાપ્રવૃત્તિ
મુંદરા, તા. 26 : અદાણી કંપનીના ચેરમેન અને સ્વપ્નદૃષ્ટા ગૌતમભાઇ અદાણીના જન્મ દિવસની મુંદરા ઉપરાંત લખપત અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી કરી  ગૌતમભાઇને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે કુલ 555 વૃક્ષોનું વાવેતર, 2800 વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ કિટનું વિતરણ, પાંચ સ્થળે રક્તદાન કેમ્પ, વરસાદી પાણીના સંગ્રહ માટેના સાધનો, વોટર રિચાર્જ અને સ્કૂલની છત ઉપર સોલાર પેનલ લગાડવાના કામો, ઊનની નામદા કલા અને સૂફ ભરતના કારીગરોને પ્રોત્સાહન આપવા પ્રદર્શન કમ સેલ, પાંચ લેપટોપનું વિતરણ, ઉત્થાન પ્રોજેકટ હેઠળ 17 સ્કૂલોની મુલાકાત અને અધૂરાશ પૂર્તિ, ચિત્ર સ્પર્ધા, ગ્રીટિંગ કાર્ડ હરીફાઇ, ગુંદાલાના સિનિયર નાગરિકો પાસે કેક કપાવી સમૂહભોજન, શ્રમિક વસાહતોમાં મેડિકલ કેમ્પ, લખપતમાં સંગીત અને રમતગમતના સાધનોનું વિતરણ, સોશિયલ વેલફેર પ્રોજેકટ અંતર્ગત અંજારમાં `સ્વાવલંબન' યોજનાનો પ્રારંભ, વલ્લભ વિદ્યાલય મુંદરાના 705 બાળકોને સાથે રાખી જન્મદિનની ઉજવણી, વિકલાંગોને ટ્રાઇસિકલનું વિતરણ, અદાણી વિદ્યામંદિરમાં મારું સ્વપ્ન ચિત્ર સ્પર્ધા સહિતના સંખ્યાબંધ કાર્યક્રમોથી બંદરના માધ્યમ દ્વારા વિકાસની તકો પૂરી પાડનાર ગૌતમભાઇના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કંપનીના એક્ઝિકયુટિવ ડાયરેકટર રક્ષિતભાઇ શાહ, વી.પી. અવિનાશ રાય, અદાણી ફાઉન્ડેશનના વડા પંક્તિબેન શાહ અને ફાઉન્ડેશનની સમગ્ર ટીમે જન્મ દિવસની ઉજવણીમાં જહેમત લીધી હતી. વહેલી સવારથી ફાઉન્ડેશન અને કંપનીના અધિકારીઓની બનેલી ટીમો વિવિધ વિસ્તારોમાં પહોંચી જઇ જળસંચય, વીજળી બચાવો, શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ જાળવણી, કચ્છના પરંપરાગત કલા કસબને પ્રોત્સાહન આપવાના કામમાં જોડાઇ ગઇ હતી. જી.ડબલ્યુ.એસ.વી.ના અધિકારીઓ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે સ્થાનિકે ઉપસ્થિત રહી પ્રોત્સાહન આપ્યું હતું. જન્મ દિવસની ઉજવણી એ સામાજિક ઉત્તરદાયિત્ય નિભાવવાના ભાગરૂપે થતાં સુજ્ઞ નાગરિકોએ પ્રવૃત્તિને બિરદાવી હતી. કંપનીએ સહયોગીઓનો આભાર માન્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer