ચાઇનાકલે દંડનીય કાર્યવાહીના ફેરસમીક્ષાના આદેશ

ચાઇનાકલે દંડનીય કાર્યવાહીના ફેરસમીક્ષાના આદેશ
ધાણેટી (તા. ભુજ), તા. 26 : કચ્છ જિલ્લામાં ચાઇનાકલે પ્રોસેસિંગ એકમોને દંડકીય નોટિસોની કાર્યવાહીમાં થયેલા અન્યાય અંગેની રજૂઆત કચ્છ જિલ્લા ચાઇનાકલે એસોસિયેશનું પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજ્યમંત્રી વાસણભાઇ આહીરને ગાંધીનગરમાં કરતાં દંડનીય કાર્યવાહીની સમીક્ષા કરવાના આદેશ અપાયા હતા. છ મહિના પહેલાં ખાણ ખનિજ વિભાગ-ગાંધીનગરની ફલાઇંગ સ્કવોડની 12 ટીમોએ કચ્છ જિલ્લાના ચાઇનાકલે વોશિંગ પ્લાન્ટોની અચાનક તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન કચ્છ બહારના ખનિજના કર્મચારીઓને ચાઈનાકલે વિશે પૂરતું જ્ઞાન ન હોવાનું અને આડેધડ બિનવ્યવહારુ ચકાસણી-માપણી કરતા હોવાની રાવ ઊઠી હતી. ત્યારબાદ છ મહિનાના લાંબા સમય પછી મસમોટા દંડની નોટિસો અને રોયલ્ટી ખાતા બંધ કરતાં ચાઈનાકલે પ્લાન્ટધારકોમાં ઊહાપોહ થઇ ગયો હતો. જે અનુસંધાને એસોસિયેશન દ્વારા રાજ્યમંત્રી વાસણભાઇ આહીરને રજૂઆત કરતાં તેઓના પ્રયાસોને લીધે રોયલ્ટી ખાતા ચાલુ કરી અપાયા હતા. દંડકીય નોટિસો બાબતે ગઇકાલે રાજ્યમંત્રી વાસણભાઇના નેતૃત્વમાં ચાઇનાકલે એસોસિયેશનના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યમંત્રી વિજયભાઇને મળ્યું હતું અને પ્રોસેસિંગ પ્લાન્ટો સામેની દંડનીય કાર્યવાહીની સમીક્ષા કરવા બાબતે રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ ખાણ ખનિજ વિભાગના અગ્રસચિવ, કમિશનરને દંડનીય કાર્યવાહીના કેસોની ફરીથી સમીક્ષા કરી યોગ્ય કરવાની સૂચના આપી હતી. ચાઈનાકલે એસો. પ્રતિનિધિ મંડળમાં ઇશ્વરભાઇ ભાવાણી, દિલીપભાઇ ત્રિવેદી, મનોજભાઇ સોલંકી, સતીશભાઇ છાંગા, લક્ષ્મણભાઇ ડાંગર, શરદભાઇ ઠક્કર, તુષારભાઇ ગણાત્રા, મોહિતભાઇ સોલંકી, વિનયભાઇ ડાંગર, નારાયણ રે વગેરે જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer