માનસિક સારવારમાં પશ્ચિમના મનોવિજ્ઞાન સાથે યોગનો સમન્વય

માનસિક સારવારમાં પશ્ચિમના મનોવિજ્ઞાન સાથે યોગનો સમન્વય
અમદાવાદ, તા. 26 : વિશ્વભરમાં પ્રચલિત પશ્ચિમી સાઈકોથેરાપી સામે પ્રથમ વખત પૂર્વના યોગના મનોવિજ્ઞાન-ધ્યાનને સાંકળતી યોગ સાઈકોથેરાપીની રજૂઆત અમદાવાદમાં કરવામાં આવી હતી. કચ્છ જિલ્લાના મનોચિકિત્સક ડો. દેવજ્યોતિ શર્માએ ભારતની 5000 વર્ષ જૂની યોગ પદ્ધતિ અને પશ્ચિમની પ્રચલિત મનોવિજ્ઞાન પદ્ધતિનો સમન્વય કરતી યોગ સાઈકોથેરાપી પદ્ધતિ વિકસાવી છે. વિશ્વ યોગ દિવસે માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે રાજ્યના માનસિક આરોગ્ય વિભાગના નોડલ ઓફિસર ડો. અજય ચૌહાણના સહકારથી યોજાયેલા કાર્યક્રમમાં ડો. શર્માએ મનોચિકિત્સકોને યોગ સાઈકોથેરાપીની તાલીમ આપી હતી. આ ઉપરાંત ડિપ્રેશનને દૂર કરવા અને આત્મહત્યા અટકાવવા માટે લાઈફ સ્કિલ્સ ડાઈનેમિક મેડિટેશન ગેટકીપર તાલીમ પણ ડો. શર્માએ આપી હતી. ડો. શર્માએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, ડિપ્રેશનથી પીડાતા લોકોની સંખ્યા વિશ્વના અનેક દેશો કરતાં ભારતમાં ઘણી વધારે છે. પશ્ચિમની પદ્ધતિની સારવારને સિગ્મન્ડ ફ્રોઈડે વિકસાવી હોવાનું માનવામાં આવે છે. ફ્રોઈડની એ પદ્ધતિમાં મહદઅંશે ભારતીય યોગ-ધ્યાનનો ઉપયોગ જ થાય છે. અત્યારના દર્શનશાત્ર (ફિલોસોફી)થી પહેલાં ઈ.સ. 1900ની આસપાસ મનોવિજ્ઞાન શોધાયું, જ્યારે યોગ તો ઈ.સ. પૂર્વે 2700થી ભારતમાં ચલણમાં છે. ડો. શર્માએ જણાવ્યું કે ફ્રોઈડના મતે `ઈગો આઈ' એટલે `હું'ને મનોવિજ્ઞાનનું સાધન માનવામાં આવે છે. જ્યારે ભારતીય પદ્ધતિમાં `હું' નહીં પણ આત્મા માની આધ્યાત્મિક યોગ પદ્ધતિની સારવાર કરવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer