અંજાર પાલિકા દ્વારા બાળપણના આનંદનો નાશ કરવાનો પ્રયાસ

અંજાર પાલિકા દ્વારા બાળપણના આનંદનો નાશ કરવાનો પ્રયાસ
અંજાર, તા.26 : અહીંના બગીચાની હાલત ખરાબ છે, મોટાભાગના સાધનો તૂટેલા હોવાથી તેનો ઉપયોગ શારીરિક હાનિ પહોંચી શકે તેવી સ્થિતિ છે. બગીચા બહારનું વરસાદનું પાણી બગીચામાં આવે છે તેથી બગીચાનો આનંદ માણી શકાતો નથી. તેનો અર્થ એ છે કે નગરપાલિકા દ્વારા મારા બાળપણના આનંદનો નાશ કરવાનો પ્રયાસ કરાય છે.  તેવી ધો. 10ના 15 વર્ષીય તરુણે સોશિયલ મીડિયા દ્વારા સરકારને ફરિયાદ કરી છે. લોકો પોતાના વિચારો, ગુસ્સો, નારાજગી, આનંદ અને લાગણીઓને વિવિધ પ્રકારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. આવી જ રીતે અંજારના દશમા ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષીય તરુણ જૈમીલ જોબનપુત્રાએ પોતાનો બાળપણનો આનંદ અંજાર નગરપાલિકાના દોષે છીનવાઈ રહ્યો છે તેવી લાગણી ફેસબુક અને ટ્વિટર મારફત વ્યકત કરી છે. આ બાળકે પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ કાર્યાલય, ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતનાઓને ટેગ કરી છે. જેથી એની એ ફરિયાદ ઉચ્ચ કક્ષા સુધી પહોંચે, એ પોસ્ટમાં એણે લખ્યું છે કે, તે નાનો હતો ત્યારે અંજાર મ્યુનિસિપાલિટી બગીચામાં જતો હતો ત્યારે એ એના માતાપિતાને પૂછતો હતો કે તે એકલો હીંચકા કે લપસણીમાં બેસે? ત્યારે તેના માતાપિતા કહેતા તું થોડો મોટો થઈ જાય ત્યારે એકલો બેસજે હજી તું નાનો છે. જેથી તેના માતા પિતા તેને મોટા હીંચકા પર બેસવાની પરવાનગી આપતાં નહીં તેમજ મોટી લપસણીમાં પણ વાગી જવાની બીકે તેમાં બેસવા દેતાં નહીં. તે વખતે તેની ઉમર માત્ર પાંચ વર્ષની આસપાસની હતી. હવે મારી ઉંમર મારા મિત્રો સાથે માતા પિતા વગર હરવા ફરવાની છે અને બગીચો પણ નજીક છે તેથી ત્યાં મિત્રો સાથે જવાની ના પાડતા નથી પણ હાલમાં બગીચાની હાલત ખરાબ છે.  નગરપાલિક બગીચાનો વિકાસ કરે તો સારું અને જો નગરપાલિકા આ કાર્ય ન કરી શકે તો પછી આ કાર્ય અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓને આપી દેવું જોઈએ. જેથી બગીચાનો યોગ્ય વિકાસ કરે. અન્ય બાળકો જે બગીચામાં રમવાનું પસંદ કરે છે તેઓ તેમના બાળપણનો આનંદ  માણી શકે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer