પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને 6 વિકેટે આપી પછડાટ

બર્મિંગહામ, તા. 26 : અહીં રમાયેલી આઇસીસી વિશ્વકપની 33મી મેચમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. 5 દડા બાકી હતા ત્યારે પાકિસ્તાને વિજયી લક્ષ્ય આંબી લીધું હતું. જીતના ઘડવૈયા બાબર આઝમે 127 દડામાં 11 ચોગ્ગા સાથે 101 રન કર્યા હતા, તો સોહિલે 68 રન કરી સાથ આપ્યો હતો. 7 મેચમાં 7 પોઇન્ટ સાથે પાકિસ્તાનની હજુ સેમિફાઇનલની આશા જીવંત રહી છે. ટોસ જીતીને દાવ લેનારી ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 237 રન કર્યાના જવાબમાં પાકિસ્તાને વિજય માટે જરૂરી રન 49.1 ઓવરમાં 4 વિકેટના ભોગે કરી લીધા હતા. પ્રારંભમાં ત્રીજી ઓવરમાં ઓપનર ફખર જમાનની 9 રને વિદાય અને ઇમામ ઉલ હક 19 રને આઉટ થયા બાદ બાબર આઝમ અને હરિસ સોહિલની જોડીએ ટીમને વિજય સુધી પહોંચાડી હતી. જો કે મોહમ્મદ હાફિઝે 32 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ વતી બોલ્ટ, ફર્ગ્યુસન અને વિલિયમ્સે 1-1 વિકેટ લીધી હતી. અગાઉ નીચલા મધ્યહરોળના બેટસમેન જેમ્સ નિશમ અને કોલિન ડિ'ગ્રેંડહોમની બેસ્ટ ઇનિંગ્સની મદદથી શરૂઆતના ધબડકા બાદ પાકિસ્તાન સામેની આજની મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ0 ઓવરના અંતે 6 વિકેટે 237 રનનો પડકારરૂપ સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. જેમ્સ નિશમ 97 રને અણનમ રહ્યો હતો. જ્યારે ગ્રેંડહોમે 64 રનની ઇનિંગ્સ રમી હતી. બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 132 રનની સંકટમોચન ભાગીદારી થઇ હતી. વિશ્વ કપમાં પાકિસ્તાન માટે સેમિફાઇનલની આશા જીવંત રાખવા કિવીઝ સામે હરહાલમાં જીત જરૂરી છે. તેને એજબેસ્ટનની ધીમી વિકેટ પર જીત માટે 238નું વિજય લક્ષ્યાંક મળ્યું છે. આજની મેચમાં પાક તરફથી ઝડપી બોલર શાહિન અફ્રિદીને 3 વિકેટ લીધી હતી. ભીના મેદાનને લીધે મેચ એકાદ કલાક મોડો શરૂ થયો હતો. ટોસ જીતીને પહેલો દાવ લેનારી ન્યૂઝીલેન્ડની શરૂઆત કંગાળ રહી હતી. 13 ઓવરની અંદર 46 રનમાં ગુપ્ટીલ (પ), મૂનરો (12), ટેલર (3) અને લાથમ (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. સુકાની કેન વિલિયમ્સને 69 દડામાં 4 ચોગ્ગાથી 41 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી, પણ તે 27મી ઓવરમાં આઉટ થયો હતો. ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર પ વિકેટે 83 રન હતો. આથી પાક માટે મેચ પર સંપૂણ વર્ચસ્વ જમાવવાની અદભુત તક હતી, પણ છઠ્ઠા ક્રમના જેમ્સ નિશમ અને સાતમા ક્રમના ગ્રેંડહોમે પાક ટીમ પર હાવી થઇને અદભુત બેટિંગ કરી હતી. જોતજોતામાં આ બન્નેએ કિવીનો સ્કોર 200 ઉપર પહોંચાડી દીધો હતો. બન્ને વચ્ચે સાતમી વિકેટમાં 132 રનની સંકટમોચન ભાગીદારી બની હતી. 48મી ઓવરમાં ગ્રેંડહોમ 71 દડામાં 6 ચોગ્ગા અને 1છગ્ગાથી શાનદાર 64 રન કરીને રનઆઉટ થયો હતો. જ્યારે નિશમ તેની કેરિયરની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમીને 97 રને અણનમ રહ્યો હતો. તેણે 112 દડાની ઇનિંગ્સમાં પ ચોગ્ગા અને 3 છગ્ગા માર્યાં હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer