સેમિમાં પહોંચી પહેલું લક્ષ્ય પાર પાડયું : ફિન્ચ

લંડન, તા.26: વર્તમાન વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાએ લોર્ડસના મેદાન પર ઇંગ્લેન્ડને હાર આપીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. વિશ્વ કપ-2019માં તે અંતિમ ચારમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. ઇંગ્લેન્ડ સામેની જીત બાદ ખુશખુશાલ કાંગારૂ કેપ્ટન એરોન ફિંચે કહ્યુ હતું કે સેમિ ફાઇનલમાં પહોંચવાથી એક લક્ષ્ય પૂરું થયું છે અને બીજા કામ હજુ બાકી છે. ઇંગ્લેન્ડ સામેની જીતનો શ્રેય સુકાનીએ યુવા ઝડપી બોલર જેસન બેહરડોર્ફ અને મિચેલ સ્ટાર્કને આપ્યો હતો. આ બન્નેએ અનુક્રમે પ અને 4 વિકેટ લઇને ઇંગ્લેન્ડની બેટિંગ હરોળને ધરાશાયી કરી દીધી હતી. મેચમાં 100 રન કરનાર એરોન ફિંચ મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.  મેચ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કાંગારૂ સુકાની એરોને ફિંચે કહ્યુ બીજી ટીમોની જેમ અમારું પણ પહેલું લક્ષ્ય સેમિ ફાઇનલમાં પહોંચવાનું હતું. આ કામ અમે પૂરું કર્યું તેની ખુશી છે. ઇંગ્લેન્ડ સામે સારી વાત એ રહી કે અમે સતત વિકેટ લેતા રહ્યા. આથી આસાન જીત મળી.  સેમિ ફાઇનલ વિશે અત્યાર વાત કરવી અસ્થાને રહેશે. કારણ કે એ પણ હજુ ઘણું ક્રિકેટ રમવું બાકી છે. અમે સેમિ પહેલાંની બાકીની બન્ને લીગ મેચમાં વિજય માટે ઉત્સુક છીએ. ઓસ્ટ્રેલિયાની હવે પછીની મેચ શનિવારે ન્યુઝીલેન્ડ સામે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer