હોટ ફેવરિટ ઇંગ્લેન્ડ પર લટકતી તલવાર

નવી દિલ્હી, તા. 26 : વર્લ્ડ કપ-2019ની સફર જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ક્રિકેટચાહકોની જિજ્ઞાસા વધી રહી છે કે તેમની પસંદની ટીમ સેમિફાઇનલ માટે ક્વોલિફાઇ થશે કે નહીં ? પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં પહોંચનાર પહેલી ટીમ છે. ઓસ્ટ્રેલિયાએ ગઇકાલે ઐતિહાસિક લોર્ડસનાં મેદાન પર યજમાન ઇંગ્લેન્ડને હાર આપીને વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા નિશ્ચિત કરી દીધી છે. તેના 7 મેચમાં 12 પોઇન્ટ છે અને 10 ટીમ વચ્ચેના પોઇન્ટ ટેબલ પર ટોચ પર છે. કાંગારુ ટીમને હજુ ન્યૂઝીલેન્ડ સામે 29 જૂને અને દ. આફ્રિકા સામે 6 જુલાઇએ રમવાનું બાકી છે. બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ જે ખિતાબની પ્રબળ દાવેદાર ગણાઈ રહી હતી તેના પર વર્લ્ડ કપની બહાર થઈ જવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અત્યાર સુધીની અપરાજિત ટીમ ન્યૂઝીલેન્ડની ટીમ આજે પાકિસ્તાન સામે રમી રહી છે. તો જો આ મેચ જીતી લેશે તો તે પણ સેમિફાઇનલ માટે નિશ્ચિત બની જશે. બીજી તરફ પાકિસ્તાનને સેમિ.ની રેસમાં ટકી રહેવા હરહાલમાં કિવીઝ સામે જીત જરૂરી છે. ભારતની વાત કરીએ તો તેને હવે પછીની મેચ આવતીકાલ ગુરુવારે વેસ્ટ ઇન્ડિઝ સામે છે. આ પછી ઇંગ્લેન્ડ સામે 30મીએ, બાંગલાદેશ સામે તા. 2 જુલાઇએ અને શ્રીલંકા સામે 6 જુલાઇએ રમવાનું છે. આ ચાર મેચમાંથી ટીમ ઇન્ડિયા બે મેચ પણ જીતી લેશે તો અંતિમ ચારમાં પહોંચી જશે. હાલનું ભારતનું ફોર્મ જોતા આ મોટી વાત નથી. જો ભારત ટોચ પર રહે અને પાકિસ્તાન ચોથા નંબરે પહોંચી જાય તો સેમિફાઇનલ ભારત-પાક વચ્ચે રમાય. સૌથી મોટી તકલીફમાં યજમાન ટીમ અને વર્લ્ડ કપ પહેલાં ખિતાબની પ્રબળ દાવેદાર ગણાતી ઇંગ્લેન્ડની ટીમ છે. પહેલા શ્રીલંકા અને હવે ઓસ્ટ્રેલિયા સામેની હારથી આઇસીસી ક્રમાંકની આ નંબર વન ટીમ વિશ્વ કપની અધવચ્ચે મઝધારમાં ફસાઇ ગઇ છે. તેની પાસે હાલ 8 પોઇન્ટ છે. તેની હવે બે મેચ બાકી રહી છે. જે ભારત અને ન્યૂઝીલેન્ડ સામે છે. આ બન્ને ટીમ શાનદાર ફોર્મમાં છે. આથી ઇંગ્લેન્ડની રાહ ઘણી કઠિન બની છે. આ બન્નેમાંથી એક મેચમાં પણ જો ઇંગ્લેન્ડની હાર થશે તો તે વર્લ્ડ કપની બહાર થઇ જવાની સ્થિતિમાં આવી જશે. પાકિસ્તાન અને શ્રીલંકાની સ્થિતિ એવી છે કે તેમણે બાકીની તેમની તમામ લીગ મેચમાં જીત જરૂરી બની રહેશે. પાકિસ્તાન આજની કિવીઝ સામેની મેચ પૂર્વે 6 મેચમાં પ અંક ધરાવે છે. તો શ્રીલંકાના 6 મેચમાં 6 પોઇન્ટ છે. આથી આ બન્ને એશિયન ટીમ માટે બાકીની ત્રણેય લીગ મેચ કરો યા મરો સમાન છે. જ્યાં સુધી વેસ્ટ ઇન્ડિઝ, દ. આફ્રિકા અને અફઘાનિસ્તાનની વાત છે તો આ ત્રણેય ટીમ માટે સેમિ.ના દ્વાર બંધ જેવા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer