અંજારમાં વૃદ્ધ ઉપર કાર ચડાવી હત્યાનો પ્રયાસ !

ગાંધીધામ, તા. 26 : અંજારમાં ટાઉનહોલ નજીક એક શખ્સે પૈસા બાબતે એક વૃદ્ધ ઉપર કાર ચડાવી દઇ તેમને મારી નાખવાની કોશિષ કરતાં આ શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના નિંગાળિયા ફળિયું ગરબી ચોકમાં રહેતા અશોક હેમરાજ પલણ નામના વૃદ્ધ અને તેમના પત્ની ગત તા. 24-6ના રાત્રે એકલા હતા ત્યારે અમિત પલણ નામનો શખ્સ દરવાજામાં લાતો મારી અંદર ઘૂસી ગયો હતો. તલવાર સાથે અંદર ધસી આવેલા આ શખ્સે તમારા દીકરા જયે મારી પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા તે અત્યારે જ મને પરત આપો તેવું કહ્યું હતું. ત્યારે અશોક પલણે પોતાનો પુત્ર બહાર ગામ છે તે આવશે એટલે આપી દેશે તેવું કહેતાં આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને મને મારા પૈસા પાછા આપો નહીંતર તલવારથી મારી  નાખવાની ધમકી આપી હતી. તેવામાં વૃદ્ધે પોલીસમાં ફરિયાદ કરવાનું કહી પોતાનું એક્ટિવા લઇને પોલીસ મથકે જઇ રહ્યા હતા ત્યારે આ શખ્સ અમિત પલણે પોતાની કારથી આ વૃદ્ધનો પીછો કર્યો હતો, અને ટાઉન હોલ નજીક રાવ હોસ્પિટલ પાસે આ વૃદ્ધ ઉપર કાર ચડાવી દઇ તેમને મારી નાખવાની કોશિષ કરી હતી. આ જીવલેણ હુમલામાં ઘવાયેલા વૃદ્ધને પ્રથમ અંજાર અને વધુ સારવાર અર્થે ગાંધીધામ ખસેડાયા હતા. આ ચકચારી બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ  ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer