ભુજમાં હવે મોબાઇલ ઝૂંટવનારાઓનો ઉધામો

ભુજ, તા. 26 : જિલ્લાના આ મુખ્ય મથકે રેઢું પડ ભાળી ગયા હોય તેમ અને કાયદાના રક્ષકોનો જાણે કોઇ જ ડર ન હોય તેવી અદાથી ચેઇન ખેંચનારા બાદ હવે મોબાઇલ ફોન ઝૂંટવી જનારા બિન્ધાસ્ત બની રહ્યા હોવાની રાડ ઊઠી છે. આજે માતૃછાયા રોડ પર ટયૂશનથી પરત ફરી રહેલી છાત્રાના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કરી જવાનો કિસ્સો ધોળાદિવસે અને સરાજાહેર બનતાં કાયદો અને વ્યવસ્થાને લઇને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બે દિવસ પહેલાં હોટલ લેકવ્યુથી ઉમેદનગર તરફ જતા માર્ગ ઉપર પરેશ શાહ નામની વ્યકિત પાસેથી મોબાઇલ ફોનની ચીલઝડપનો કિસ્સો હજુ તાજો અને વણઉકેલ્યો છે તેવા સમયે આજે બપોરે બિલેશ્વર મંદિરથી નગરપાલિકા તરફ જતા માર્ગ ઉપરથી પસાર થઇ રહેલી અને ટયૂશનથી ઘરે જઇ રહેલી  વિદ્યાર્થિનીના હાથમાંથી અજ્ઞાત બાઇક સવારો મોબાઇલ ખૂંચવી ગયા હતા. આજે બપોરે ત્રણેક વાગ્યાના સુમારે આ ઘટના બન્યા બાદ માતૃછાયા વિદ્યાલયના રિક્ષાવાળાઓ દ્વારા આરોપીઓનો પીછો પણ કરાયો હતો. પણ તેઓ હાથમાં આવ્યા ન હતા. આ પછી જાગૃતો છાત્રા સાથે પોલીસ મથકે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાથી પોલીસને વાકેફ કરી હતી. અલબત આજે મોડીસાંજ સુધીમાં હજુ વિધિવત કોઇ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચતમ અધિકારીઓની કચેરીઓ જ્યાં કાર્યરત છે તેવા જિલ્લાના આ રાજનગરમાં થોડા સમય પહેલાં રાહદારી મહિલાઓના ગળામાંથી ચેઇન અને મંગળસૂત્ર ખેંચનારા તત્ત્વોએ ઉધામો મચાવ્યા બાદ હવે જાણે મોબાઇલ ફોનની ચીલઝડપ કરનારા પગદંડો જમાવી રહ્યા હોવાનો અહેસાસ ઉપરાઉપરી બની રહેલી આવી ઘટનાઓ થકી થઇ રહ્યો છે. કાયદાના રક્ષકો ગંભીરતા સાથે પગલાં ભરીને આ `રોગચાળો' વકરતો અટકાવે તેવી માગણી ઊઠી છે.  દરમ્યાન જાગૃત નાગરિકોએ ટિપ્પણી કરતાં એવું સૂચન કર્યું હતું કે ખાસ કરીને શાળાઓ છુટવાના સમયે તથા ભીડભાડ રહેતી હોય તેવા વિસ્તારોમાં પોલીસ બાજનજર ગોઠવે તે હવે જરૂરી બન્યું છે. આના કારણે ખરેખરી રોમિયોગીરી સહિતના અનિષ્ટ પરિબળો ઉપર લગામ આવી શકે તેમ છે. તો લુખ્ખા તત્ત્વો ઉપર કાયદાની ધાક પણ રહે તેમ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer