કચ્છમાં અકસ્માત-આપઘાતથી ચારના જીવ ગયા

ગાંધીધામ, તા. 26 : આદિપુરના સાધુ વાસવાણી કુંજ વિસ્તારમાં મહિમાબેન શુભમ શુક્લા (ઉ.વ. 24)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ ભુજના માધાપરમાં છત પરથી પડી જતાં કિશોર કરસન સોલંકી (ઉ.વ. 22) નામના યુવાનનું મોત થયું હતું તેમજ માંડવીના મસ્કા નજીક બાઇક પરથી પડી જતાં અરમાન અબ્દુલ સતાર સુમાર (ઉ.વ. 10) નામના બાળકનું મોત થયું હતું તથા અંજારની ભાગોળે ગળપાદર-મુંદરા માર્ગ ઉપર બે વાહનોની ટક્કરમાં પપ્પુ કુમાર લાલનરામ બિહારી નામના યુવાને જીવ ગુમાવ્યો હતો. આદિપુરના સાધુ વાસવાણી કુંજ મકાન નંબર 91માં રહેનારા મહિમાબેન નામના નવપરિણીતાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. પાંચ મહિના અગાઉ જ પરણનાર અને ત્રણ માસનો ગર્ભ ધરાવતા આ યુવાન પરિણીતાએ કેવા કારણોસર આ પગલું ભર્યું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી બાજુ માધાપરના શિવમ પાર્ક વિસ્તારમાં ગત તા. 24-6ના સાંજે 6-30ના અરસામાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. દેશલપર વાંઢાયનો કિશોર સોલંકી એક મકાન ઉપર ચડી સોલાર ફિટિંગનું કામ કરી રહ્યો હતો. દરમ્યાન તેનો પગ લપસતાં આ યુવાન નીચે પટકાયો હતો. જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન આ યુવાને છેલ્લા શ્વાસ લીધા હતા. માંડવીમાં રહેનારા અબ્દુલ સતાર અને તેમનો પુત્ર અરમાન બાઇક ઉપર સવાર થઇને જઇ રહ્યા હતા, દરમ્યાન ગત તા. 25-6ના તેમને મસ્કા નજીક એન્કરવાલા હોસ્પિટલ પાસે અકસ્માત નડયો હતો. પોલીસે જણાવ્યું હતું કે તેમના બાઇકને નીલગાય આડે આવતાં તેમનું બાઇક નીચે પડયું હતું. જેમાં બાળકને ગંભીર પ્રકારની ઇજાઓ થતાં આ બાળકનું મોત થયું હતું. વધુ એક બનાવ ગળપાદર-મુંદરા ધોરીમાર્ગ ઉપર અંજારની ભાગોળે મારવાડી હોટેલ પાસે બન્યો હતો. ટ્રેઇલર નંબર જી.જે. 12-ઝેડ-3108ના ચાલકે કોઇ આડશ કે સિગ્નલ આપ્યા વગર પોતાનું વાહન રોડ ઉપર મૂકી દીધું હતું. દરમ્યાન પાછળથી આવતું ટ્રક ટ્રેઈલર નંબર જી.જે. 12-એયુ 9080વાળું આ ઊભેલા વાહનમાં ભટકાતાં પાછળથી આવતા વાહનના ચાલક પપ્પુ કુમારને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer