ભુજોડીમાં ગ્રામસભા પૂર્ણ થયા બાદ તલાટી ઉપર બે શખ્સનો હુમલો

ભુજ, તા. 26 : તાલુકાના ભુજોડી ગામે આજે યોજાયેલી ગ્રામસભામાં અપશબ્દો બોલવાની ના પાડવાના મુદ્દે થયેલા ડખ્ખામાં ગ્રામસભા પૂર્ણ થયા બાદ બે શખ્સે તલાટી મયૂર ચંદુલાલ નાઇ ઉપર હુમલો કરી તેમને માર માર્યો હતો. ભુજોડી ગામે પ્રાથમિકશાળા ખાતે આજે સાંજે યોજાયેલી ગ્રામસભા બાદ બનેલા આ કિસ્સામાં ઘાયલ થયેલા તલાટી મયૂર નાઇ (રે. માધાપર)ને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હુમલો કરવાવાળા તરીકે સૂરજી ભીખાભાઇ રબારી અને રાણાભાઇ દેવશીભાઇ રબારીના નામ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં લખાવ્યા હતા. તલાટીએ લખાવેલી વિગતોને ટાંકી પોલીસે જણાવ્યું હતું કે, ગ્રામસભામાં સૂરજી રબારી અને રાણા રબારી અપશબ્દો બોલી રહ્યા હોવાથી તેમને તેવું કરવાની તેમણે ના પાડી હતી. આ પછી ગ્રામસભા પૂર્ણ થયા બાદ બહાર નીકળવા સમયે હુમલો કરાયો હતો.  ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથક દ્વારા કેસની આગળની છાનબીન હાથ  ધરાઇ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer