ભુજમાં ચપ્પુ-ધારદાર પથ્થર વડે હુમલામાં એક જ કુટુંબના ચાર ઘવાયા

ભુજ, તા. 26 : શહેરમાં કેમ્પ એરિયાના જનતા નગરી વિસ્તારમાં ડી.પી.ચોક ખાતે ચપ્પુ અને ધારદાર પથ્થર વડે થયેલા હુમલામાં મહેશ્વરી પરિવારના ચાર સભ્ય જખ્મી થયા હતા. તો અન્ય એક કિસ્સામાં શહેરમાં જ રિક્ષાના ધંધાની હરીફાઇ અન્વયે પાઇપ વડે મામદહુશેન જુશબ ખારા (ઉ.વ.34) ઉપર હુમલો થયો હતો. આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ ડી.પી.ચોક ખાતે ગતરાત્રે થયેલા હુમલામાં બાવા વાલા મહેશ્વરી (ઉ.વ.60), ભીખુલાલ શિવજી ફફલ (ઉ.વ.19), પ્રફ્yલ્લ મેઘજી મહેશ્વરી (ઉ.વ.16) અને કિશન શિવજી મહેશ્વરી (ઉ.વ. 18) ઘવાયા હતા. આ ઘટનામાં ઇજા પામનારો કિશન તેની એક્ટિવા લઇને તેના ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે પડોશમાં રહેતા કાના ભીમા પારાધીએ નશાયુકત હાલતમાં એક્ટિવા રોકાવતા બોલાચાલી થઇ હતી. જે વધી પડતાં કાનાએ કિશનને ચપ્પુ માર્યું હતું જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તો છોડાવવા વચ્ચે પડતાં કાનાની માતા હકુબાઇએ ધારદાર પથ્થર વડે તેમને ઇજા કરી હતી, તેવું હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્તોએ પોલીસ સમક્ષ પ્રાથમિક કેફિયતમાં લખાવ્યું હતું. બીજી બાજુ ભુજમાં જ માધાપર હાઇવે સ્થિત ગીતા માર્કેટના દરવાજા નજીક રિક્ષાના ધંધાની હરીફાઇમાં મામદહુશેન ખારા ઉપર પાઇપથી હુમલો ગતરાત્રે થયો હતો. હુમલાખોર તરીકે આશિફ, જાવેદ અને ગુલામના નામ પોલીસ સમક્ષ ભોગ બનનારે લખાવ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer