નખત્રાણા બસ સ્ટેશનમાં છાત્રો માટે છાંયડાની સુવિધાની માંગ

નખત્રાણા, તા. 26 : ગત શનિવારે અહીંના બસ સ્ટેશનમાં એસ.ટી. તંત્ર દ્વારા શીતળ છાંયડો આપતા  વૃક્ષોનું છેદન થયું તેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં અભ્યાસાર્થે આવતી વિદ્યાર્થિનીઓની સવલત ઝૂંટવાઇ જવાના કારણે પરેશાની ઊભી થઇ છે. દરરોજ ગ્રામ્ય વિસ્તારોમાંથી અહીં કન્યા હાઇસ્કૂલમાં બસ્સોથી અઢીસો જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે આવે છે. બપોરે 1 વાગે પરત ઘેર જવા દોઢથી બે કલાક જેટલો સમય આ લીમડાના છાંયડા નીચે ઊભા રહી બસ દ્વારા ઘેર પરત જતી. માટે આ વૃક્ષો આ વિદ્યાર્થિનીઓ માટે આશીર્વાદરૂપ હતા. હાલ નવા બસ સ્ટેશનમાં ત્રણથી ચાર જ બેસવા માટે બાંકડાની વ્યવસ્થા ઉપરાંત બસ સ્ટેશનમાં ખૂબ જ સંકડાશ હોવાના કારણે કોઇપણ સંજોગોમાં પ્રવાસીઓ કે વિદ્યાર્થિનીઓ બેસી જ શકે નહીં. હાલે નખત્રાણા બસ સ્ટેશનમાં ક્યાંય પ્રવાસી કે વિદ્યાર્થિનીઓ આ ગરમીમાં ઊભી પણ ન શકે તેમજ બેસી પણ ન શકે. જાયે તો જાયે કહાં... માટે એસ.ટી. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે છાપરાના શેડ નાખી અલાયદી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ તેવી માંગ ઊઠી છે. સાથે બપોરના સમયે જ્યારે છોકરીઓને રજા પડતી ત્યારે મહિલા પોલીસ તેમજ પોલીસની મોબાઇલ વાન અચૂક ફેરો મારતી, જેના કારણે આવારા-લુખ્ખા તત્ત્વો પણ અહીં આંટા-ફેરા કરતા બંધ થયા હતા. ફરી પરત હવે જ્યારે શૈક્ષણિક સત્રો શરૂ થયા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા આ વ્યવસ્થા શરૂ કરાય અને આમેય નવા આવેલા પી.એસ.આઇ. ભરવાડ કડક પી.એસ.આઇ. તરીકે છાપ ધરાવે છે, તો પોલીસ દ્વારા આ બાબતે ઘટતું થાય તેવી નગરજનો, વિદ્યાર્થિનીઓ, વાલીઓની માગણી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer