પૂર્વ કચ્છ આર.ટી.ઓ કચેરીમાં અરજદારોને ભારે અગવડતા

ગાંધીધામ, તા. 26 : પૂર્વ કચ્છની વિભાગીય વાહન વ્યવહાર કચેરીમાં થતી અગવડતા અને  ખૂટતી સુવિધાઓ  અંગે  કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રીએ  વાહન વ્યવહારમંત્રી સમક્ષ લેખિત  રજૂઆત કરી હતી. કોંગ્રેસના ગોવિંદ દનિચાએ  રજૂઆત કરતા પત્રમાં જણાવ્યું હતું કે   આ કચેરીમાં  ટેસ્ટિંગ ટેક ન હોવાથી  અરજદારોને ભુજની આર.ટી.ઓ કચેરીમાં ધકકો ખાવાનો વારો આવે છે. તેમજ સતત નેટવર્ક ડાઉન  હોવાના કારણે મુશ્કેલીમાં વધારો થાય છે. લાયસન્સ અને  દંડ સંબંધિત કામગીરી વેળાએ 2થી 3 વખત  અરજદારના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે. આ નાણાં પરત મેળવવા માટે અરજદારે ટ્રેઝરી ઓફિસ અને બેન્ક વચ્ચે પીસાવું પડે છે વગેરે સમસ્યા પત્રમાં વ્યકત કરી હતી. વધુમાં તેઓએ  આ કચેરીના શૌચાલયમાં સ્વચ્છતા જાળવવા,  ડિટેઈન થયેલા વાહનોના દંડ  અત્રે લેવા અને    અરજદારોની સવલત માટે હેલ્પ ડેસ્ક શરૂ કરવા તથા સી.સી.ટી.વી. કેમેરા લગાવવા  માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer