ઘનકચરા નિકાલના નિયમોથી અવગત થઈ સૌ તેનું ચુસ્તપણે પાલન કરે તે જરૂરી

ગાંધીધામ, તા. 26 : કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ મંત્રાલય દ્વારા નેશનલ પ્રોડકિટવિટી કાઉન્સિલ તથા ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટીના સંયુકત ઉપક્રમે અહીં યોજાયેલી બે દિવસીય કાર્યશાળાના આરંભે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ઘનકચરાના તમામ નિયમોથી અવગત થઈ દરેક ઔદ્યોગિક એકમો, હોસ્પિટલ તથા બિલ્ડર્સ તેનો ચુસ્તપણે અમલ કરે તેવી અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે અધ્યક્ષપદે હાજરી આપી હતી. ઘનકચરા, બાયો  મેડિકલ વેસ્ટ, ઈ-વેસ્ટ, પ્લાસ્ટિક કચરો, હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ એમ અલગ અલગ પ્રકારના કચરાના નિકાલની યોગ્ય પ્રક્રિયા, તકનિક વિષે રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા માહિતી અપાઈ હતી. સાથેસાથે મકાન, દુકાન તથા ફલેટના ખરીદદારોના હક્કો તેમજ બિલ્ડર્સની ફરજો વિષે કેન્દ્ર સરકારના રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)ના કાયદાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અંજારના પ્રાંત અધિકારી ડો.વી.કે. જોષીને રેરાના ટેક્નિકલ ઓફિસર ડો. વત્સલ પટેલે આ વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ગાંધીધામ સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ દિનેશ ગુપ્તા, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના નટરાજન ઉપસ્થિત રહ્યા હતા. તદ્ન નિશુલ્ક એવી આ કાર્યશાળાનો તબીબો, બિલ્ડર્સ, ઉદ્યોગગૃહો, એન્જિનીયર્સ વગેરેને મહત્તમ લાભ લેવા અનુરોધ કરાયો હતો. વ્યવસ્થામાં જીડીએ સ્ટાફ તથા ગાંધીધામ આર્કિટેક્ટ એન્ડ સિવિલ એન્જિનીયર્સ એસો.એ સહયોગ આપ્યો  હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer