શિયાળામાં સર્જાતું શ્વેત રણ ઉનાળામાં અદ્રશ્ય

શિયાળામાં સર્જાતું શ્વેત રણ ઉનાળામાં અદ્રશ્ય
બાબુ માતંગ દ્વારા
નિરોણા (પાવરપટ્ટી), તા. 23 : કચ્છની કુદરતી અજાયબી સમાન ગણાતા ઘોરડોના શ્વેત રણ વચાળે દર વર્ષે યોજાતો રણોત્સવ દેશી-વિદેશી સહેલાણીઓ માટે ભારે આકર્ષણ રૂપ બન્યો છે. મુખ્યત્વે નવે.થી ફેબ્રુઆરી સુધીની શીત મોસમ દરમ્યાન યોજાતા આ અનોખા ઉત્સવ વખતે શ્વેત રણ પોતાના અસલી મિજાજમાં મહાલતાં પ્રકૃતિના અનોખા નજારાને મનભરી માણવા પ્રકૃતિપ્રેમીઓના ધાડાં ઊતરે છે. પરંતુ ધોમધખતા ઉનાળા વચ્ચે શ્વેત રણ અસલીરૂપ ગુમાવી બેસતાં હાલ શ્વેત રણના મોટાભાગનો વિસ્તાર શ્વેતને બદલે ભૂરિયો ભાસી રહ્યો છે. પ્રવાસન ઉદ્યોગને વેગવાન બનાવવાના હેતુસર કચ્છના મોટા રણમાં શરૂઆતમાં શરદોત્સવ અને બાદમાં રણોત્સવના નામે જાણીતા બનેલ આ મહોત્સવની પ્રસિદ્ધિ દેશભરમાં જ નહીં દુનિયાના દેશો સુધી પહોંચી છે. વેકરિયા (લોરિયા)થી શરૂ થયેલા અને હાલ સરહદ નજીકના શ્વેત રણ સુધી પહોંચેલા રણોત્સવને ભારે રંગીન  અને આકર્ષણરૂપ બનાવવા રાજ્ય સરકાર અને પ્રવાસન નિગમે તો કમર કસી છે સાથે સ્થાનિકની પ્રજાએ પણ ભારે દિલચશ્પી  લેતાં બન્ની વાસ્તવમાં બનીઠની રહી છે. ધોરડો નજીકના રણમાં દરિયાના ખારા પાણી જમા થયા પછી શિયાળાની સિઝનમાં ક્ષારયુક્ત પાણી નમકમાં ફેરવાઇ આખો વિસ્તાર શ્વેત ચાદરમાં લપેટાઇ જતાં એક અનેરું દૃશ્ય ખડું થાય છે. દૂર દૂર સુધી પથરાયેલ સફેદી પર દિવસે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયનો પ્રાકૃતિક નજારો તો પૂનમની રાત્રિએ સોળે કળાએ ખીલેલા ચંદ્રમાની ચાંદનીનો નજારો નિહાળવો એક લ્હાવો ગણવામાં આવે છે. તો શિયાળાની મોસમ પૂરી થયા પછી બળબળતા ઉનાળા વચ્ચે ખારું પાણી હટી જતાં શ્વેત રણ અદૃશ્ય બન્યું છે. શ્વેત રણ સાથે પનારો રાખી જીવન ગુજારતા સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોરડો આસપાસના રણમાં નમકના થર જામવા માટે સમુદ્રનું ક્ષારયુક્ત પાણીનો ભરાવો અને ઠંડી મોસમ સાથે મંદ-મંદ વા'તો વાયરો જરૂરી છે. હાલ આ તમામ પરિબળોની ઊણપને લઇ શ્વેત રણ ગાયબ બન્યું છે. બીજી બાજુ રણોત્સવની આકર્ષણરૂપ તંબુનગરી અને વિલેજ રિસોર્ટના હાલ-હવાલ પણ જાણવા જેવા છે. રણોત્સવની મુદ્દત પૂરી થતાંની સાથે તંબુનગરીનો પણ સંકેલો કરી લેવામાં આવે છે. હાલ તંબુનગરીના ગોળાકાર વિવિધ સંકુલોના પાયા અને લોખંડી દીવાલો ખુલ્લીખમ્મ ભાસી રહી છે. તો ઉનાળાના પ્રખર તાપ વચ્ચે વા'તા ગરમ વાયરા સાથે સમગ્ર વિસ્તાર ભેંકાર ભાસી રહ્યો છે. રણોત્સવ દરમ્યાન અહીં ઊભા કરવામાં આવેલ કલાત્મક માહિતીકક્ષ, ફોટો ગેલેરી, ભોજનાલય, વિશ્રાંતિગૃહ, કલાકક્ષ સહિતના સંકુલ મસમોટી ચાદર કે કંતાનમાં લપેટાઇ ચૂક્યા છે.રણોત્સવની ભરપૂર મોસમ વચ્ચે અહીં આવતા દેશી-વિદેશી મહેમાનોની આગતા-સ્વાગતા માટેભીરંડિયારાથી લઇ શ્વેત રણના પ્રવેશદ્વાર સુધી ઊભા કરવામાં આવેલ કલાત્મક ગામડાઓના ભૂંગાઓ પણ સૂમસામ બની અલીગઢી તાળાંઓના તાબે થયા છે.  કુદરતી ચક્ર અનુસાર ઉનાળો પૂરો થયા પછી `મીં'ની માનીતી મોસમ શરૂ થશે. મૂશળધાર મેઘરાજાની મહેર બાદ રણમાં વરસાદી પાણી જમા થશે, જે ધીમે ધીમે ક્ષારયુકત બન્યા પછી ભરપૂર શિયાળામાં નમકમાં ફેરવાઇ પુન: આ રણ શ્વેત વત્રોમાં સજ્જ ધજ્જ બની દિવાળીની ઉજવણી સાથે ફરી એકવાર શ્વેત રણ સહેલાણીઓના સત્કાર માટે સજ્જ  ધજ્જ બનશે.
 

સાવધાન !  શ્વેતરણ પીછેહઠ કરી સાવ અદ્રશ્ય ન થાય
નિરોણા (પાવરપટ્ટી), તા. 23: દાયકાઓ અગાઉ શ્વેત રણથી દેશી વિદેશીઓ તો શું બન્ની સિવાયના કચ્છી લોકો પણ અજાણ હતા. ખાસ કરીને બન્ની, પચ્છમ, પાવરપટ્ટી અને અન્ય વિસ્તારોમાંથી કેટલાક ધંધાર્થી લોકો ઊંટ કે ગઘેડા મારફતે મીઠું ભરી તેના વેચાણ દ્વારા રોજી રોટી મેળવતા, તે વખતે સફેદ રણના મીઠાના સ્તરો ધોરડા ગામ સુધી જોવા મળતા. ધોરડાના અગ્રણી મિંયાહુશેન મુતવાના જણાવ્યા મુજબ ધોરડો ગામમાં ક્ષારના પાણી ન ભરાય તે માટે ગામ અને રણ વચ્ચે આડબંધ બાંધવામાં આવતો. પરંતુ કાળક્રમે ક્ષારયુકત પાણી ધીરે ધીરેત્ત્તરે હટી ધોરડાથી 7થી 8 કિ.મી. દૂર પહોંચ્યું છે. અહીં રણોત્સવના પગરણ થયા પછીના એક દાયકામાં શ્વેત રણના વિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. વિસ્તારના જાણકારોના મતે બન્નીના વિકાસ માટે બનતા રસ્તાઓ, વનવિભાગ દ્વારા હસ્તગત કરાયેલ જમીન પર બાંધવામાં આવતા બંધપાળા, વિસ્તારમાં કાર્યરત અનેક ઉદ્યોગના એકમ દ્વારા  ઉલ્લેચાતા ક્ષારયુકત પાણી તેમજ રણોત્સવ દરમ્યાન થતી પર્યાવરણ અને રણની પ્રકૃતિથીવિપરીત    પ્રવૃત્તિઓ ભવિષ્યમાં શ્વેત રણના અસ્તિત્વ માટે જોખમ રૂપ સાબિત થઇ શકે છે. કચ્છના મોટા રણ વચાળે ધોરડોના શ્વેત રણમાં છેલ્લા એકાદ દાયકાથી ગુજરાત સરકાર દ્વારા નવેમ્બરની શરૂઆતથી માંડી 20મી ફેબ્રેઆરી સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે રણોત્સવની લોકચાહના અને પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળે છે. જે મુજબ ગઇ સાલ 1,77,766 જેટલા પ્રવાસીઓ કચ્છના મહેમાન બન્યા હતા. જેને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ ચાલુ સાલે રણોત્સવ 28મી ઓકટોબર એટલે કે નૂતન વર્ષથી શરૂ કરશે અને 23મી ફેબ્રુઆરીના રોજ સંપન્ન કરશે. આ વખતનો રણોત્સવ ગત વર્ષ કરતાં 7 દિવસ વધુ એટલે કે 119 દિવસના અત્યાર સુધીના લાંબા સમયગાળા સુધી ચાલશે. ગત વર્ષ કરતાં આ વર્ષે દિવાળી વહેલી હોઇ દિવાળી વેકેશન ઉપરાંત આ સમયગાળામાં નાતાલ, નૂતન વર્ષ, મકરસંક્રાતિ, પ્રજાસત્તાકદિન, વેલેન્ટાઇન ડે જેવા તહેવારોની ભરમાર આવતી હોઇ રણોત્સવના આયોજનમાં વધારો કરાયો છે. ખાનગી પેઢીના દેખરેખ હેઠળ ઉજવાતા રણોત્સવના આકર્ષણરૂપ 350થી વધુ ટેન્ટધારી ટેન્ટસિટી (તંબુનગરી)નું ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. - શ્વેત રણ માણવા 300રૂા. દંડ ! : વિપરીત સંજોગો વચ્ચે કચ્છમિત્રે શ્વેત રણની મુલાકાત લીધી ત્યારે રણના પ્રવેશદ્વારથી માંડી લોખંડી ટાવર સુધીના પાંચથી 6 કિ.મી.માં કયાંય પણ રણની સફેદી નજરે ચડી ન હતી. મૂળ નખત્રાણાના વિગોડીના અને હાલે બેંગ્લોર ખાતે ધંધાર્થે વસતા હરિભાઇ રામજી ઉકાણી પોતાના પરિવાર સાથે ઉનાળાની રજાઓમાં શ્વેત રણને માણવા આવ્યા તો હતા પરંતુ પ્રવાસીઓ માટે છેલ્લા પાઇન્ટ લોખંડી ટાવર આસપાસ કયાં પણ શ્વેત રણ નજરે ચડયું ન હતું. તેમના જણાવ્યા મુજબ ટાવરથી પણ ઉત્તરે 3થી 4 કિ.મી. દૂર ખસી ગયેલ શ્વેત રણમાં પહોંચવા ટાવર પાસેથી ઊંટગાડી દ્વારા પહોંચવું પડયું જેના ભાડા પેટે આ પરિવાર પાસેથી રૂા.300નું ભાડું વસૂલ કરવામાં આવ્યું. હરિભાઇ ઉકાણીના કહેવા પ્રમાણે દર વર્ષે જો શ્વેત રણ આટલી હદે પીઠેહઠ કરે તો રણોત્સવના અસ્તિત્વ માટે ભારે જોખમરૂપ બની શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer