નખત્રાણા પંથકમાં શુકનવંતી મહેર વરસી

નખત્રાણા પંથકમાં શુકનવંતી મહેર વરસી
નખત્રાણા, તા. 23 : નબળા ચોમાસાના લીધે લગાતાર ત્રણ વર્ષથી ધોધમાર અને સંતોષજનક વરસાદની ચાતક નજરે રાહ જોતા કચ્છ પર `વાયુ' વાવાઝોડાએ વરસાદ ન વરસાવ્યો પણ ગઇકાલે ગેડીમાં અને આજે નખત્રાણા વિસ્તારમાં શુકનવંતી મહેર થતાં કચ્છીઓમાં ચોમાસાનાં આગમનની આશાનાં વાદળો બંધાયાં છે અને આગામી દિવસોમાં આ વાદળોમાંથી હેતની હેલી વરસે તેવું પ્રાર્થી રહ્યા છે. નખત્રાણામાં છેલ્લા બે દિવસથી સખત ગરમી તેમજ અસહ્ય બફારા બાદ રવિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં અંદાજે અડધા ઇંચ જેટલો વરસાદ પડતાં જાણે જેઠ મહિનામાં જ ચોમાસાએ દસ્તક દીધી હતી. આજે અડધો કલાક સુધી ધીમી ધારે વરસેલા શુકનવંતા વરસાદથી ખેડૂતો, નાના બાળકો તેમજ આમ લોકોમાં ખુશીની લાગણી વ્યાપી હતી. તો આ વર્ષે મેઘરાજા મન મૂકી વરસશે તેવી આશા સાથે કાળમુખાનો દેશવટો અચૂક થશે. આમેય ચાલુ વરસે અસહ્ય ગરમી, વનસ્પતિ-વનરાજી તેમજ વિવિધ?પ્રાકૃતિક સંકેતોના કારણે સારા વરસાદના વર્તારા છે, તે સાથે આ વરસાદથી જેઠિયો મીં પૂણેઠી જો પૂતરની કહેવત પણ સાર્થક થતી હોય તેવા અણસાર મળી રહ્યા છે. અડધો કલાક ચાલેલા આ વરસાદથી નગરની શેરીઓમાં વરસાદી વોકળાઓમાં જોશભેર પાણી વહ્યાં હતાં, તો વાતાવરણમાં થોડીક ઠંડક થતાં ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. તાલુકાના કોટડા (જ.), નાના નખત્રાણા, ભુજ તાલુકાના દેશલપર, વાંઢાય, આણંદસર, વ્યાર, જાડાય, પિયોણી, રામપર, રોહા, બેરૂ, ધાવડા પંથક વિસ્તારમાં ધીમી ધારે વરસાદના વાવડ છે. આ વરસાદથી ખેડૂતો-પશુપાલકોમાં ખુશીની લાગણી વ્યાપી છે. છેલ્લા દશેક દિવસથી નખત્રાણા પંથકના પિયત ખેતી ધરાવતા કિસાનો વાવણીના કામમાં જોશભેર લાગતાં વરસાદી માહોલ જામી રહ્યો છે. ચોમાસું સક્રિય થતાંની સાથે જ કપિત ખેતી ધરાવતા ખેડૂતો વાવણીના કામમાં લાગશે. આ વરસે વાલીડો મન મૂકી વરસે, સમગ્ર કચ્છ પર મેઘરાજા હેત વરસાવી તરબતર કરે તેવી  મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા છે. આજે સાંજે પાંચ વાગ્યે કોટડા, જડોદર, ખાંભલા અને હેણપીર આંટી સુધી જોરદાર ઝાપટું આવ્યું હતું, જે 10 મિનિટ સુધી વરસ્યું હતું. ઝાપટાં છતાં ઉકળાટ સાંજે સાત વાગ્યા સુધી એટલો જ રહ્યો હતો. હજુય આકાશ વાદળોથી ઘેરાયેલું હોવાથી રાત્રે વરસાદ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.મોટી વિરાણીથી પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આ પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો. ગત તા. 22/6ના આર્દ્રા નક્ષત્રનો આરંભ થતાં પંથકમાં સારાં એવાં પાણી વહી નીકળ્યાં હતાં. આસપાસના ગામો ભારાપર, દેવીસર, અરલ, જતાવીરા, સુખપરમાં વરસાદે મુહૂર્ત કર્યા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer