મીઠીરોહરની નાળમાં ગુલાબી સુરખાબનો જમાવડો

મીઠીરોહરની નાળમાં ગુલાબી સુરખાબનો જમાવડો
ભુજ, તા. 23 : દુષ્કાળના કારણે આવેલા જળસંકટે કચ્છના વન્યજીવનને તહસ-નહસ કરી નાખ્યું છે. લગભગ મોટાભાગના જળાશયો ખાલીખમ થવાના કારણે સામાન્ય વન્યજીવો અને દુર્લભ વન્યપ્રાણીઓ, પક્ષીઓને જીવનનો સંઘર્ષ વેઠવો પડી રહ્યો છે. વન્યજીવન પ્રેમીઓને વિષાદ વેઠવો પડે છે. અનેક સ્થળોએ  પક્ષી નિરીક્ષણ માટે પ્રયત્ન કરવા છતાં પક્ષીઓ ભાગ્યે જ નજરે પડે છે. ખારા રણમાં મીઠી વીરડી કહી શકાય તેવું એક સ્થળ અંજાર તાલુકાનું મીઠીરોહર  ગામ ફ્લેમિંગો એટલે કે `રા લાખેજા જાની'ના ઉપનામથી જાણીતા રૂપકડાં પક્ષીઓની  હાજરીના કારણે પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ સમાન બનવા જઇ રહ્યું છે. કંડલા બંદરના પરિસરમાં મીઠીરોહરની નાળમાં ભરાયેલા ખારા-મીઠા પાણીના નાળા ભરાતાં  કચ્છમાં મહેમાન કહી શકાય તેવા નાના સુરખાબની  હાજરી આ સ્થળને દર્શનીય બનાવી રહી છે. એકાદ કિલોમીટરમાં પથરાયેલા નાળના પાણીમાં પથારામાં અહીં લગભગ દશ હજારથી વધારે કહી શકાય તેટલી સંખ્યામાં સુરખાબ વીચરી રહ્યાં છે. સવારના પહોરમાં  નદીના પટમાં આ રૂપકડાં પક્ષીના ધામા ગુલાબી રંગની ચાદર બીછાવી હોય તેવું મનોરમ્ય દર્શન ઉભું કરે છે. ફ્લેમિંગોનું સામૂહિક ઉડયન આકાશને ગુલાબી બનાવી દે છે. નાળના પાણીમાં ખારાશ વધુ હોવાથી  લેસર ફ્લેમિંગો એટલે કે નાના સુરખાબને  માફક આવતું વાતાવરણ અહીં આ પક્ષીનું વિરામ સ્થાન બની રહ્યું છે. કચ્છમાં હાલમાં ક્યાંય જોવા ન મળે તેટલા સુરખાબ અહીં જીવન વિતાવે છે. સુરખાબની હાજરી પક્ષીપ્રેમીઓ,?ફોટોગ્રાફર્સને આ ભીષણ દુષ્કાળમાં મનની શાંતિ અપાવે તેવા સમાચાર છે. અહીંની નાળમાં સુરખાબ સિવાય બીજી કોઇ જાતના એક પણ પક્ષીની હાજરી અહીં નથી. અહીં ફકત સુરખાબનું જ સામ્રાજ્ય છે. િપન્ક ફેસ્ટિવલ'નો આનંદ માણતા પક્ષી નિરીક્ષક નવીન બાપટ સાથે ફોટોગ્રાફર ડો. રિયાઝ  અને રફિક સુતારે અહીં  મોજ માણી હતી. આવો જ પિન્ક ફેસ્ટિવલ પોરબંદરના ગોસબારા વિસ્તારમાં  દર જૂન મહિનામાં યોજાય છે. તેની મોજને પણ આંટી જાય તેવો ગુલાબી મેળો મીઠીરોહરની આ નાળમાં `રા લાખેજા જાની' રચી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer