એસઓએસના બાળક સમાજ સાથે જોડાયા છે

એસઓએસના બાળક સમાજ સાથે જોડાયા છે
ભુજ, તા. 23 : તાલુકાના કુકમા નજીક ભૂકંપ બાદ કાર્યરત થયેલી એસ.ઓ.એસ. ભારતીય બાલગ્રામ સંસ્થા ખાતે સંસ્થાના સ્થાપક ડો. હર્મન માઇનરના 100મા જન્મ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ અપાઇ હતી. આ પ્રસંગે આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે સાંસદ વિનોદભાઇ ચાવડા અને એગ્રોસેડ ઇન્ડસ્ટ્રીઝ ભુજના મોભી ચેતનભાઇ શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ શ્રી ચાવડાના હસ્તે `ધ ટ્રેકિંગ ફૂટ પ્રિન્ટસ બુક ઓફ સેટલ્ડ યુથ' પુસ્તકનું વિમોચન કરાયું હતું. તેમણે પ્રોત્સાહિત સંબોધન કર્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા બાળકોને પુરસ્કાર અર્પણ કરાયા હતા. ડો. હર્મન માઇનર તત્ત્વજ્ઞાન અને તેમના આજીવન જરૂરિયાતમંદ બાળકોને પ્રેમ સંભાળ અને સુરક્ષા આપવાના જુસ્સા અંગે મહેમાનોને માહિતી અપાઇ હતી. સ્થાયી યુવા અને માતાઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા. 23 જૂન એસ.ઓ.એસ. દિન તરીકે વિશ્વના 135 દેશોમાં ઊજવાય છે. ડો. હર્મન માઇનર ઓસ્ટ્રેલિયાના માનવતાવાદી હતા જેમને `પરિવાર એટલે લોહીનો સંબંધ' જેવા જૂની વિચારધારાનો સુધાર કર્યો હતો અને માતા-પિતાની સારસંભાળથી વંચિત બાળકો, ઘર વગરના બાળકો માટે પરિવારની સાથે માનો પ્રેમ સુનિશ્ચિત કર્યો. છેલ્લા લગભગ સાત દાયકાથી એસ.ઓ.એસ. વિશ્વના એવા બાળકોની સંભાળમાં કાર્યરત છે કે જે મા-બાપની સંભાળથી વંચિત, બેઘર અને ભટકવા માટે લાચાર છે. આ પ્રસંગ  ઉપર  ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ કેર- એસ.ઓ.એસ ભારતીય બાલગ્રામના ડેપ્યુટી નેશનલ ડિરેકટર સુમતાકરે  જણાવ્યું કે ર્ડા. હર્મન  વિશ્વના  બેઘર અને મા-બાપ વગરના  બાળકો માટે પરિવાર બનાવવાનો  એક અનન્ય ખ્યાલ શરૂ કર્યો અને આજે દુનિયામાં 130થી વધુ દેશોના બાળકોને લાભ મળી રહ્યો છે. ભારતમાં, લગભગ ર કરોડ બાળકોને સંભાળ અને સંરક્ષણની જરૂર છે, ગ્રીનફીલ્ડ  (ફરીદાબાદ)   ખાતે ભારતમાં સૌપ્રથમ એસ.ઓ.એસ ભારતીય બાલગ્રામની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. આ પાવન અવસર પર `ધ ટ્રાકિંગ ફુટપ્રિન્ટસ બુક ઓફ સેટલ્ડ યુથ' પુસ્તકનું અધ્યયન એસ.ઓ.એસ ભારતીય બાલગ્રામ વતી તૃતીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ સૈમ્પાલિંગ પદ્ધતિ દ્વારા ર69 સ્થાયી યુવાનો ઉપર કરવામાં આવ્યો. આ અધ્યયન થકી એ નિષ્કર્ષ સામે આવે છે કે એસ.ઓ.એસ ભારતીય બાલગ્રામના દરેક બાળક આજે નિ:શંકપણે સમાજની મુખ્ય ધારા સાથે જોડાઇ ગયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer