રિદ્ધિ-સિદ્ધિનગરમાં સરકારના સ્વચ્છતાના નારાનો ઊડતો છેદ

રિદ્ધિ-સિદ્ધિનગરમાં સરકારના સ્વચ્છતાના નારાનો ઊડતો છેદ
સુખપર (તા. ભુજ), તા. 23 : અહીંના રિદ્ધિ-સિદ્ધિનગરમાં સરકારના સ્વચ્છતાના સૂત્રોનો છેદ ઊડી રહ્યો છે. ગંદકીના પગલે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને ગટરના ઊભરાતાં પાણી લોકોના ઘરોમાં ઘૂસતાં રોગચાળાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ અંગે ગ્રા.પં.માં રજૂઆત કરવા ગયેલા રહેવાસીઓને સરપંચના પતિનો કડવો અનુભવ થયો હોવાની ફરિયાદ ઊઠી છે.  સુખપરના રિદ્ધિ-સિદ્ધિનગર ખાતે માર્ગોની હાલત દયનીય બની છે તેમજ ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. એક તરફ સરકાર સ્વચ્છતાનો સંદેશો આપી રહી છે ત્યારે અહીં ગંદકી કેડો નથી મૂકતી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ પ્રશ્નો મુદ્દે રહેવાસીઓ ગ્રા.પં.માં રજૂઆત કરવા ગયા હતા, જ્યાં સરપંચ અમરબહેન હાજર નહોતા અને પંચાયતમાં ઉપસ્થિત તેમના પતિ માવજીભાઈને આ અંગે રજૂઆત કરતાં તેમણે અશોભનીય વર્તન કર્યું હોવાનો રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો. સરપંચનો ફોન પર સંપર્ક સાધતાં તેમણે પંચાયત આવવાની ના ભણી તેમના પતિ સાથે વાત કરવા જણાવતાં રહેવાસીઓમાં નારાજગી ફેલાઈ હતી.  ગટરનાં પાણી હવે ઘરોમાં ઘૂસતાં હોવાથી રોગચાળાની ભીતિ વ્યક્ત કરી રહેવાસીઓએ સફાઈની માંગ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer