બેન્કો અને ફાઈનાન્સ પેઢીઓ સાથે છેતરપિંડીનો પર્દાફાસ

બેન્કો અને ફાઈનાન્સ પેઢીઓ સાથે છેતરપિંડીનો પર્દાફાસ
ગાંધીધામ, તા. 23 : બોગસ દસ્તાવેજોના આધારે લોન મેળવી ખરીદ કરેલી કારનો નાસ કરી નાંખી બેન્ક અને ખાનગી ફાઈનાન્સ કંપનીઓ સાથે માતબર રકમની છેતરપિંડી મેઘપર બોરીચીના શખ્સે આચરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે ઠગબાજ શખ્સ સામે ખુદ એલ.સી.બી.એ છેતરપિંડી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડનો આંક લાખોમાં પહોચે તેમ છે. આ અંગેની વિગતો આપતાં એલ.સી.બી. પી.આઈ જે. પી. જાડેજાએ જણાવ્યું  હતું કે મૂળ બિહારના બેગુસરાયના વતની અને હાલ અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતા આરોપી ધર્મેન્દ્ર હરભાણ ચૌધરીએ વર્ષ 2016થી આજદિન બેન્કો અને ફાઈનાન્સ પેઢીઓ સાથે છેતરપિંડીનો કારસો આચર્યો હતો. આ ઠગબાજ શખ્સે તેના પાનકાર્ડ, આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સમાં એડિટિંગ કરી તેમા રાજેન્દ્ર હરભજન ચૌધરીનું નામ નાખ્યું હતું. આ બોગસ દસ્તાવેજોના આધારે આરોપીએ ગાંધીધામની પંજાબ નેશનલ બેન્ક, આઈ. સી. આઈ. સી. આઈ. બેન્ક, એચ.ડી.એૐ.સી બેન્ક, બેન્ક ઓફ બરોડામાં રાજેન્દ્ર ચૌધરીના નામે ખાતા ખોલાવ્યા હતાં. ખાતા ખોલાવ્યા બાદ આરોપીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઈનાન્સ, ચોલા મંડલમ ફાઈનાન્સ, ટાટા ફાઈનાન્સ અને મન્નાપુરમ ફાઈનાન્સ તેમજ અન્ય ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન લીધી હતી. તેમજ આર.ટી.ઓ. કચેરીમાં રજૂ કરી વાહનોના રજિસ્ટ્રેશન કરાવ્યા હતાં. આરોપીએ બોગસ  દસ્તાવેજના આધારે લોન મેળવી જીજે.12. એકસ. 1690, જીજે.12.એકસ.1689, જીજે.12.એકસ.1692, જીજે.12.ઝેડ.6007, જીજે.12.એવાય.0351, જીજે.12.બીવી.5075, જીજે.12.બીટી.7550, જીજે.12.બીવી.7505, જીજે.24.યુ.9624, જીજે.12.બીવી.7550, જીજે.12.એકસ.1703, જીજે.12.એકે.5972, જીજે.12.7550(બુલેટ),  જીજે. 12.સીજી.7550(હોન્ડા) સહિતના વાહનો ખરીદ્યા હતા જે વાહનોની લોન બાકી છે તેવા અંદાજે પાંચેક વાહનો ક્રેપમાં કપાવી નાંખ્યા છે. આ મામલે એલ.સી.બી. પી.એસ.આઈ એન.વી. રેહવરે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઝડપાયેલા આરોપીની પોલીસે કડક પૂછપરછ આદરી છે. આરોપીએ અન્ય કોઈ નામે પણ આ પ્રકારની છેતરપિંડી આચરી  હોવાની આશંકા  હોઈ આરોપીના ફોટા અને અન્ય વિગતોના આધારે તપાસ કરી છેતરપિંડી થઈ હોવાનું જણાય તો તાત્કાલિક સંપર્ક કરવા તમામ બેન્કો, ફાઈનાન્સ પેઢીઓને અને જનતાને પોલીસ દ્વારા અનુરોધ કરાયો છે. આરોપીના કબ્જામાંથી વેલ્સપન કંપનીના 9 જેટલા લાખંડના પાઈપો પણ કબ્જે કરાયા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer