કચ્છમાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા ખાસ જાહેરનામું બહાર પાડવા તંત્રને અપીલ

કચ્છમાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા ખાસ જાહેરનામું બહાર પાડવા તંત્રને અપીલ
ગાંધીધામ, તા. 23 : કચ્છ જિલ્લામાં અતિતીવ્ર અવાજ વાળા હોર્નના ઉત્પાદન, વિતરણ વેચાણ અને ફિટિંગ પર કાયદાકીય પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડી  ધ્વનિ પ્રદૂષણ  અટકાવવા  અંગે  અમલ ઈન્ડિયાની ટીમે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી  રજૂઆત કરી હતી.  જિલ્લામાં ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટે  અમલ ઈન્ડિયા ટીમ  દ્વારા છેલ્લા ત્રણ  વર્ષથી   ગાંધીધામ, ભુજ અને અંજારમાં   વાહનની ભારે અવરજવર હોય તેવા રસ્તાઓ પર   નો-હોર્ન  અભિયાન  ચલાવી  લોકોમાં જાગૃતિનો પ્રયાસ કરવામાં આવે છે.  આ કાર્યક્રમમાં હોર્ન વગાડવવાના ગેરફાયદાની માહિતી સાથેના  ચોપાનિયાં પણ વિતરણ કરવામાં આવે છે. આ અભિયાન ચલાવતી  અમલ ઈન્ડિયા ટીમ દ્વારા જિલ્લા  સમાહર્તાને  રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યું હતું કે જિલ્લામાં  હાઈ ટોન હોર્નનું વેચાણ અને ફિટિંગનો ઉપયોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે. જે જાહેર જનતાના સ્વાસ્થ્યને ખૂબ હાનિકારક નીવડે તેમ છે. કાયદાકીય રીતે સેન્ટ્રલ મોટર  વ્હીકલ એકટ-1989 મુજબ વધુ ડેસીબલના હોર્ન પર પ્રતિબંધ છે. તેમજ ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોના અનુચ્છેદ 21માં  તંદુરસ્ત પર્યાવરણ મેળવવાનો અધિકાર તથા ઈન્ડિયન  પીનલ કોડની  કલમ-268 તળે પબ્લિક ન્યુસન્સની વ્યાખ્યામાં પણ હાઈટોર્ન હોર્નને ગણી  શકાય તેમ છે.  જિલ્લામાં વકરતા ધ્વનિ પ્રદૂષણને લઈને  લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  લોકોના  સ્વાસ્થ્યને અસર થઈ રહી છે. વધુમાં તેઓએ   અતિતીવ્ર અવાજ વાળા હોર્ન મુદે  જાહેરનામું બહાર પાડવા માંગ કરી હતી.   રજૂઆત વેળાએ  રાહુલભાઈ રાઠોડ, સંગીતાબેન સોરઠિયા (એડવોકેટ), ડોલી જણસારી, દર્શન મકવાણા હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer