શેખાઇબાગની કથામાં `શ્યામ સમીપે'' કાવ્યસંગ્રહ વિમોચિત

શેખાઇબાગની કથામાં `શ્યામ સમીપે'' કાવ્યસંગ્રહ વિમોચિત
નખત્રાણા, તા. 23 : શાત્રી નારાયણભાઇ ગોરના વ્યાસાસને પ્રબોધાતી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહના સમાપને તેમના અગ્રજબંધુ શ્યામ ગોર `શ્યામ'ના પ્રથમ કાવ્યસંગ્રહનું જ્ઞાતિના વડીલોના હસ્તે આશીર્વાદ સાથે વિમોચન કરવામાં આવ્યું હતું. શેખાઇબાગ ગુંદિયાળી મુકામે રાજગોર સમાજની પેથાણી પાંખના ભાયાતો દ્વારા આયોજિત કથાના સમાપને 2000 જેટલા જ્ઞાતિ બંધુઓની હાજરીમાં યોજાયેલા `શ્યામ સમીપે' કાવ્યસંગ્રહના વિમોચનના કાર્યક્રમને વાછરાદાદા સંસ્થાનના પૂજારી કાયા ભોપાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.  અધ્યક્ષસ્થાને વસંતભાઇ રાજગોર (મુંબઇ)એ રાજગોર સમાજની સરસ્વતી સાધનાને બિરદાવી કવિ શ્યામને આશીર્વાદ સાથે  શુભેચ્છા પાઠવી હતી. નિવૃત્ત મામલતદાર કાંતિલાલ પેથાણીએ અતિથિ વિશેષપદેથી સાધના એ જીવનની ઊર્જા છે અને તેમાં પણ સાહિત્યની સાધના તો જગત સાથે રહી જગતમાંથી સત્યને તારવીને પીરસવાની કળાને દધિ મંથનમાંથી મળતા નવનીત (માખણ) સાથે સરખાવી કવિ શ્યામની સાહિત્ય સાધનાને બિરદાવી હતી. કાલિંદીબેન ગોરએ `શ્યામ સમીપે' પુસ્તકના પરિચય સાથે રસાસ્વાદ કરાવતાં પ્રસ્તુત સંગ્રહના કાવ્યોમાં સમાજ જીવન શિક્ષણ તથા નારીની આંતરચેતના અને આંતર વેદનાને  વાચા આપતા કાવ્યોની પ્રસ્તુતિ કરી હતી. વિશેષમાં કથાના પાવન પ્રસંગમાં  વિમોચન કરવાનું સદ્ભાગ્ય સાંપડતાં આજના દિવસે  પુસ્તકના વેચાણની રકમ ગૌસેવામાં આપવાની નેમ વ્યકત કરી હતી. અને 200થી વધારે પ્રતો વેચાઇ તેની રકમ ગૌસેવામાં આપી એક ઉદ્દાત ઉદાહરણ પૂરું પાડયું હતું. વિમોચન પ્રસંગે પ્રભુલાલ શાત્રી, રવિલાલ વ્યાસ, અરવિંદભાઇ?પેથાણી તથા રાજગોર સમાજના અગ્રણીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer