સર્વ સેવા સંઘ દ્વારા 10 હજારથી વધુ પશુઓને કરાતું નીરણ

સર્વ સેવા સંઘ દ્વારા 10 હજારથી વધુ પશુઓને કરાતું નીરણ
ભુજ, તા. 23 : સર્વ સેવા સંઘ (કચ્છ) ભુજ તથા ક.વી.ઓ. જૈન મહાજન-ભુજના સંયુક્ત ઉપક્રમે છેલ્લા ચાર મહિનાથી ચાલતી પશુરક્ષાની પ્રવૃત્તિ પાંચમા મહિનામાં પ્રવેશ કરતાં સંસ્થા તરફથી આજે માંડવી તાલુકાનાં કોટડી મહાદેવપુરી ગામે, ભુજ તાલુકાના કુકમા ગામની સમીપે આવેલા શિણાઇ નગર અને લખપત તાલુકાનાં માતાના મઢ ગામે એક-એક ગાડી ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે વર્ધમાન પરિવાર સંચાલિત જીવદયા પ્રવૃત્તિ માટે રૂા. એક લાખનો ચેક સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડાએ વર્ધમાન પરિવારના ટ્રસ્ટી જીતુભાઇને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે શ્રી છેડાએ જણાવ્યું હતું કે, બંને સંસ્થાઓના ઉપક્રમે કુલ્લ 10 હજાર જેટલા ગૌવંશને બચાવવાનું ભગીરથ કાર્ય છેલ્લા ચાર મહિનાથી આ સંસ્થાએ ઉપાડયું છે. ભચાઉ તાલુકાના ખડીર જેવા છેવાડાના વિસ્તારના પશુધનને બચાવવા માટેના પ્રયાસો પણ ખૂબ જ સફળ થયા છે ત્યારે આ બંને સંસ્થાઓને હવે દાનની ખૂબ જ જરૂરત ઊભી થઇ હોવાથી કચ્છની દાનવીર જનતાને યથાશક્તિ દાન મોકલવા પણ વિનંતી કરાઇ છે. આ પ્રસંગે વર્ધમાન પરિવારના જીતુભાઇએ જણાવ્યું હતું કે, વર્ધમાન પરિવાર દ્વારા ચાલુ વરસે લખપત તથા અબડાસા તાલુકાના 22 ગામોમાં કેટલ કેમ્પ તથા 10 ગામોમાં નીરણ કેન્દ્રો દ્વારા 20 હજાર જેટલા પશુઓને બચાવવાના પ્રયાસો સફળ થયા છે. સંસ્થા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કચ્છમાં પશુરક્ષા પ્રવૃત્તિઓ છેવાડાનાં ગામોમાં કરાઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer