રાજ્યમંત્રીના પ્રયત્નોથી ચાઈના ક્લે પ્લાન્ટના રોયલ્ટી ખાતા ચાલુ કરાયા

રાજ્યમંત્રીના પ્રયત્નોથી ચાઈના ક્લે પ્લાન્ટના રોયલ્ટી ખાતા ચાલુ કરાયા
ધાણેટી (તા. ભુજ), તા. 23 : તાલુકાના માધાપરમાં કચ્છ જિલ્લા ચાઈનાક્લે એસોસિયેશનની સામાન્ય સભામાં રાજ્યમંત્રી વાસણભાઈ સમક્ષ મોટા દંડની નોટિસો અને રોયલ્ટી એકાઉન્ટ બંધ કરાયા હોવા અંગે રજૂઆત કરાતાં તેમના પ્રયત્નથી પ્રશ્નનો હલ થયો હતો. અતિથિ વિશેષ પદે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, સાંસદ વિનોદભાઈ ચાવડાની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં જણાવાયું હતું કે, છ મહિના પહેલાં ગાંધીનગરથી ખનિજ ખાતાની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમો કચ્છ જિલ્લાના ચાઈનાક્લે વોશિંગ પ્લાન્ટોની ચેકિંગ કરવા આવેલી. જેના અનુસંધાને છ મહિના પછી મસમોટા દંડની નોટિસો અત્યારે આવી છે. પ્લાન્ટધારકોની રોયલ્ટીઓ બંધ કરી નખાતાં કફોડી સ્થિતિ નિર્માણ થઈ છે. તે બાબતે રાજ્યમંત્રી શ્રી આહીરના પ્રયત્નોથી ગાંધીનગરથી રોયલ્ટી એકાઉન્ટ રાત્રે જ ચાલુ કરી અપાયા હતા. આ પ્રસંગે પ્રવચનમાં રાજ્યમંત્રી વાસણભાઈએ ચાઈનાક્લે ઉદ્યોગના કોઈ પણ સમસ્યાઓના નિરાકરણ માટે પોતે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી અને આ બાબતે રાજ્ય સરકાર પણ હકારાત્મક હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈનું બીજી વખત વિજેતા બનવા બદલ સન્માન કરાયું હતું. આ પ્રસંગે સાંસદે કચ્છ જિલ્લાના ઉદ્યોગોના વિકાસમાં ખૂટતી કડી માટે પોતે હંમેશાં પ્રયત્નશીલ રહેવાનું જણાવ્યું હતું. માજી ધારાસભ્ય શિવજીભાઈ આહીર, હરિભાઈ જાટિયા, હંસરાજભાઈ ધોળુ, પ્રમુખ ઈશ્વરભાઈ ભાવાણી , મનોજ સોલંકીએ વક્તવ્ય આપ્યા હતા. સ્વાગત પ્રવચન તુષારભાઈ ગણાત્રાએ અને સંચાલન શામજીભાઈ આહીરે અને આભારવિધિ સતીશભાઈ છાંગાએ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer