વિંઝાણ ગામે 12 લાખના ખર્ચે તૈયાર થનાર પંચાયત ઘરનું ખાતમુહૂર્ત

વિંઝાણ ગામે 12 લાખના ખર્ચે તૈયાર થનાર પંચાયત ઘરનું ખાતમુહૂર્ત
નલિયા, તા. 23 : અબડાસા તાલુકાના વિંઝાણ ગામે રૂા. 12 લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કરાયું હતું. જિલ્લા પંચાયત આર.એન્ડ બી. દ્વારા નિર્માણ પામનારા સૂચિત પંચાયતઘરનું કામ ચાર માસમાં પૂર્ણ થશે. આ માટે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી જિ.પં.ના સદસ્ય અને ગામના અગ્રણી કિશોરસિંહ જાડેજાએ ઘણા લાંબા સમયથી નવા પંચાયત ઘરની માગણી પડતર હતી. આ કામ તુરત હાથ ધરાય તેવી તેમણે રજૂઆત કરી હતી. સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવાનું જણાવી તેમણે વિવિધ વિસ્તારના અનેક વિકાસ કામો કામ લેનાર એજન્સીએ ટલ્લે ચડાવ્યા છે ત્યારે એવી એજન્સીઓને બ્લેક લિસ્ટમાં મૂકવાની પણ માગણી કરી હતી. અતિથિવિશે પદે ઉપસ્થિત સરપંચ રહીમાબાઇ કુંભારે ગામમાં પાણીની સમસ્યા હોવાનું જણાવી ટાંકો જર્જરિત હોવાનું ઉમેર્યું હતું. પાણી પુરવઠા વિભાગ ગામની સમસ્યા હળવી કરી ટાંકો તુરત મરંમત કરવાની કામગીરી હાથ ધરે તેવી માંગ કરી હતી. આ પ્રસંગે  ઉપસરપંચ જ્યોતિબેન જોષી, મહાવીરસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, અલીમામદ હિંગોરા, મંગલગિરિ ગોસ્વામી, ભાણજીભાઇ હાલેપોત્રાએ જરૂરી સૂચનો કર્યા હતા. સંચાલન કોન્ટ્રેક્ટર શ્રી ગઢવી, અનવરભાઇ કુંભારે કર્યું હતું. આભારવિધિ અલીમામદ કુંભારે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer