ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ તળે માધાપરમાં 20 સ્થળે એકસાથે કાર્યક્રમ યોજાયો

ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ તળે માધાપરમાં 20 સ્થળે એકસાથે કાર્યક્રમ યોજાયો
માધાપર (તા. ભુજ), તા. 23: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના આદેશ અનુસાર 2જી જૂનના ગુરુદેવના મહાપ્રયાણના દિવસે વિશ્વમાં પર્યાવરણ સંતુલન તેમજ મજબૂત રાષ્ટ્રની સંકલ્પના માટે ઘરે ઘરે ગાયત્રી યજ્ઞ દ્વારા બે લાખ ચાલીસ હજાર ઘરોમાં એકીસાથે કાર્યક્રમ યોજાયો હતો, તેના અનુસંધાને ગાયત્રી શક્તિપીઠ ભુજના સહયોગથી ગાયત્રી મહિલા મંડળ માધાપરના સક્રિય બહેનો દ્વારા વીસથી વધારે જગ્યાએ એક કુંડી ગાયત્રી યજ્ઞ ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞના અનુસંધાને સંપન્ન કરાયા હતા.માધાપરના સરકારી દવાખાનાના સ્ટાફના સહયોગથી સરકારી દવાખાનામાં સૌના આરોગ્ય માટે પ્રાર્થના સાથે યજ્ઞ સંપન્ન થયો હતો. શ્રીહરિ શાંતિનિકેતન વૃદ્ધાશ્રમમાં ટ્રસ્ટીગણના સહયોગથી તમામ વડીલો ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞનો લાભ લઇ શકે તે માટે યજ્ઞ યોજાયો હતો.  પ્રમુખ નટવરલાલ રાયકુંડલ, ટ્રસ્ટી  શશિકાંતભાઇ,  મેનેજર જેન્તીભાઇ દૈયાએ શ્રીફળ હોમી આહુતિ આપી હતી. વહેલી સવારથી માધાપરના મહિલા મંડળના હંસાબેન ભટ્ટ, નેહાબેન મહેતા, કલ્પનાબેન મહેતા, સાવિત્રીબેન ગોસ્વામી અને મનીષભાઇ માહેશ્વરી, માધાપર શક્તિપીઠના ટ્રસ્ટી શિવજીભાઇ મોઢ `િશવ'એ આ કાર્યમાં જોડાઇ દરેક સ્થળે કાર્ય સંપન્ન કરાવ્યું હતું. જુદી જુદી કોલોનીમાં લોકોને એક જ જગ્યાએ ભેગા કરી પોતાના ઘરે દીવો પ્રગટાવી 24 ગાયત્રી મંત્રોનું ઉચ્ચારણ કરી મંગલમય ભવિષ્યની કામના માટે પ્રાર્થના કરવામાં આવી હતી. દુષ્કાળની પરિસ્થિતિ થાળે પડે ને સારા વરસાદ માટે વરુણદેવને   રીઝવવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer