જન્મજાત તકલીફવાળું બાળક ત્રણ વર્ષની સારવાર થકી ચાલતું થયું

જન્મજાત તકલીફવાળું બાળક ત્રણ વર્ષની સારવાર થકી ચાલતું થયું
બિદડા, (તા. માંડવી), તા. 23 : અહીંના બિદડા સર્વેદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલીટેશન ઈન્સ્ટિટયૂટ અને રિસર્ચ સેન્ટરમાં નાના બાળકથી લઈને મોટી ઉમરના દદીર્ઓ આ અદ્યતન સારવારનો લાભ મેળવી રહ્યા છે. અંજારના કાવ્ય સોરઠિયાને જન્મથી શારીરિક તકલીફ જોવા મળતાં તેના માતા-પિતાએ, અંજાર, રાજકોટ અને અમદાવાદના દવાખાનામાં સારવાર શરૂ કરી હતી.   ત્યારબાદ તેને બે વર્ષની વયે, જયા રિહેબ સેન્ટરમાં લાવ્યા ત્યારે તે પડખું ફરીને બેસી શકતો ન હતો, ઊભી કે ચાલી શકતો ન હતો. સેન્ટરના ડાયરેક્ટર મુકેશ દોશી અને આસિ. ડાયરેક્ટર વીરેન્દ્ર સેન્ડલિયાના માર્ગદર્શન હેઠળ આ બાળકને, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સંજ્ઞાત્મક અને રમત ચિકિત્સા, ઓર્થોસીસ મેનેજમેન્ટની સારવાર તદ્ઉપરાંત સ્પીચથેરાપીની સારવાર આપવામાં આવતી. સારવાર માટે તેના માતા-પિતા કાવ્યને રોજ અંજારથી બિદડા લાવતા. કાવ્યની સારવાર ડો. લોગનાથન અને ડો. પ્રવીણા આહીર દ્વારા અપાતી. ઉપરાંત માતા-પિતાને કાવ્યને ઘરે કઈ રીતે સારવાર આપવી તેની તાલીમ અપાતી. ધીરે-ધીરે સારવારના દોઢ વર્ષમાં કાવ્ય એકલો પડખા ફરીને બેસતો થયો તે પછી ઓર્થોસીસ પહેરીને એકલો ઊભો રહેતો થઈ ગયો અને 3 વર્ષમાં તો પોતાની 5 વર્ષની વયે તે ઘરની બહારની દુનિયામાં ચાલતો અને તેની ઉમરના બાળકો સાથે રમતો થયો છે. આ પરિવર્તન બદલ માતા-પિતાએ જયા રિહેબના તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer