પાકિસ્તાન સામે હાર્યું દક્ષિણ આફ્રિકા

લોર્ડસ, તા. 23 : ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડસ પર આજે વિશ્વકપ 2019ની રમાયેલી પ્રથમ મેચમાં પાકિસ્તાને બેટિંગ અને બોલિંગ મોરચે સારો દેખાવ કરીને દક્ષિણ આફ્રિકા સામે 49 રને જીત સાથે સ્પર્ધામાં પોતાનો બીજો વિજય મેળવ્યો હતો. આ સાથે જ કુલ પાંચમી હારથી દક્ષિણ આફ્રિકાની સેમિફાનઇલ પ્રવેશની તકો મુશ્કેલ બની છે. ટોસ જીતી પહેલાં બેટિંગ કરતાં પાકિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 308 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકી ટીમ નવ વિકેટ ગુમાવીને 259 રન જ બનાવી શકી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દ.આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. માત્ર 4 રનના સ્કોર પર ઓપનર આમલા (2)ના રૂપમાં પહેલો ઝાટકો લાગ્યો હતો. જો કે, કપ્તાન ડુપ્લેસીસે ડી'કોક સાથે મળીને દાવ સંભાળ્યો હતો. જો કે, જામી ચૂકેલો ડિ'કોક 47 રનના અંગત જુમલે આઉટ થયો હતો. તેણે કપ્તાન સાથે બીજી વિકેટ માટે 87 રનની ભાગીદારી કરી હતી. તે પછી માર્કરામ (7) જામ્યો નહોતો અને છેડો સાચવી બેઠેલો પ્લેસીસ (63) આઉટ થતાંની સાથે દ.આફ્રિકાનો દાવ વેરવિખેર થવાની શરૂઆત થઇ?હતી.  અહીંથી એક પછી એક વિકેટો પડી જતાં ટીમ માટે વિજયનું લક્ષ્ય મુશ્કેલ બનતું ગયું હતું અને આખરે 50 ઓવરમાં ટીમ 9 વિકેટે 259 રન સુધી સીમિત રહી હતી. પાકિસ્તાને આ મેચમાં તેનું બોલિંગ આક્રમણ પણ સુધાર્યું હતું. અને વહાબ રિયાઝ (3), શાદાબખાન (3), મોહંમદ આમીર (2)ઁ હરીફ બેટધરોને ફાવવા ન દેવામાં ભૂમિકા ભજવી હતી. અફ્રિદીને 1 વિકેટ મળી હતી. અગાઉ  દ. આફ્રિકા સામે પાકિસ્તાને શાનદાર બેટિંગ કરીને પ0 ઓવરના અંતે 7 વિકેટે 308 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. પાછલી મેચમાં ભારત સામે ત્રણેય મોરચે  ધરાશાયી થનાર પાક. ટીમે આજે દ. આફ્રિકાની નબળી બોલિંગ-ફિલ્ડિંગનો ભરપૂર લાભ લઇને યોજનાબદ્ધ રીતે 300 ઉપરનો સ્કોર કરવામાં સફળતા મેળવી હતી. પાક. ઇલેવનમાં શોએબ મલિકનાં સ્થાને વાપસી કરનાર હેરિસ સોહિલે સૌથી વધુ આક્રમક 89 રન કર્યા હતા. જ્યારે બાબર આઝમે 69 રન કર્યા હતા. લોર્ડસની ઘાસ વિનાની વિકેટ પર પાક. સુકાની સરફરાઝ અહેમદે ટોસ જીતીને પહેલો દાવ લીધો હતો. બન્ને ઓપનર ઇમામ ઉલ હક અને ફખર જમાએ 44-44 રન કરીને પાકિસ્તાનને સારી શરૂઆત આપી હતી. આ પછી વન ડાઉન બેટ્સમેન બાબર આઝમે 80 દડામાં 7 ચોગ્ગાથી 69 રનની ઇનિંગ રમી હતી. અનુભવી મોહમ્મદ હફિઝ (20) અને ઇમાદ વાસિમ (23) જલ્દીથી પેવેલિયનમાં પાછા ફર્યા હતા પણ ઇલેવનમાં વાપસી કરનાર હેરિસ સોહિલે આફ્રિકી બોલરોનો મજબૂતીથી સામનો કરીને એક છેડો સાચવી રાખ્યો હતો. તે આખરી ઓવરના પાંચમા દડે આઉટ થયો હતો. સોહિલે માત્ર પ9 દડામાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાથી 89 રન કર્યા હતા. સુકાની સરફરાઝ 2 રને અણનમ રહ્યો હતો. પાક.ના પ0 ઓવરમાં 7 વિકેટે 308 રન થયા હતા. આથી આફ્રિકાને જીત માટે 309 રનનો વિજય લક્ષ્યાંક મળ્યો હતો. આફ્રિકા તરફથી એન્ડિગીએ 3 અને તાહિરે 2 વિકેટ લીધી હતી. સ્કોર બોર્ડ: પાકિસ્તાન: ઇમામ કો. એન્ડ બો. તાહિર 44, ફખર કો. અમલા બો. તાહિર 44, બાબર કો. એન્ડિગી બો. ફિલસકોવાયો 69, હફિઝ એલબીડબ્લ્યુ માર્કરમ 20, સોહિલ કો. ડિ'કોક બો. એન્ડિગી 89, ઇમાદ કો. ડૂમિની બો. એન્ડિગી 23, રિયાઝ બોલ્ડ એન્ડિગી 4, સરફરાઝ નોટઆઉટ 2, શાદાબખાન નોટઆઉટ 1, (વધારાના 12, કુલ પ0 ઓવરમાં 7 વિકેટે 308) 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer