વિશ્વકપ બાદના વિન્ડિઝ પ્રવાસમાં કોહલી અને બુમરાહને વિશ્રામ અપાશે

નવી દિલ્હી, તા. 23 : વર્લ્ડકપની સમાપ્તિ બાદ ભારતીય ટીમ ત્રણ ઓગસ્ટથી વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જવાની છે. આ પ્રવાસ દરમિયાન અમેરિકા અને કેરેબિયન ભૂમિ પર રમાનાર મર્યાદિત ઓવરોની શ્રેણીમાં સુકાની વિરાટ કોહલી અને મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને લગભગ વિશ્રામ અપાશે. બન્ને ટેસ્ટ શ્રેણીમાં રમશે. જે શરૂઆતની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. બીસીસીઆઇના એક અધિકારીએ નામ ન બતાવવાની શરતે જણાવ્યું કે સુકાની વિરાટ કોહલી અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ત્રણ મેચની ટી-20 અને ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં નિશ્ચિતરૂપે વિશ્રામ અપાશે. વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ પહેલાંથી સતત રમી રહ્યો છે. બુમરાહને પણ વિશ્રામ આપવો જરૂરી છે. બન્ને ટેસ્ટ શ્રેણીમાં ટીમ સાથે જોડાઈ જશે. વર્લ્ડકપમાં ભારત જો ફાઇનલમાં પહોંચશે તો 14 જુલાઇ સુધી રમવાનું છે. આથી કેટલાક મુખ્ય ખેલાડીને વિશ્રામ આપવાની બીસીસીઆઇની યોજના છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ 22 ઓગસ્ટથી એન્ટિગ્વામાં રમાશે. આ પહેલાં ટી-20 અને વન-ડે મેચની 3-3 મેચની શ્રેણી રમાશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer