બ્રેથવેટે કિવીનો શ્વાસ અદ્ધર કરી નાખ્યો

માંચેસ્ટર, તા. 23 : વર્લ્ડકપના વધુ એક રોમાંચક મેચમાં છેલ્લે સુધીની રસાકસી બાદ અજેય ન્યૂઝીલેન્ડ સામે વેસ્ટ ઇન્ડિઝનો માત્ર પ રને પરાજય થયો હતો. કેરેબિયન ઓલરાઉન્ડર કાર્લેસ બ્રેથવેટે અદભુત આતશી બેટિંગ કરીને સદી ફટકારી હતી, પણ જીત માટે વિન્ડિઝને જ્યારે 6 રનની જરૂર હતી ત્યારે તે 49મી ઓવરના આખરી દડે જેમ્સ નિશમની ઓવરમાં સિકસ મારવાના ચક્કરમાં બાઉન્ડ્રી લાઇન પર  ફકત 1 ફૂટ અંદર જ  ટ્રેંટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. આથી ન્યૂઝીલેન્ડની પ રને રોમાંચક જીત થઇ હતી અને પોઇન્ટ ટેબલ પર 11 પોઇન્ટ છે, ટોચ પર છે. આથી બ્રેથવેટની લડાયક સદી બેકાર ગઇ હતી. જો કે, તેની આ અદભુત ઇનિંગ્સ વિશ્વકપની યાદગાર ઇનિંગ્સ બની રહેશે. ગઇકાલની મેચમાં વિન્ડિઝ સુકાની જેસાન હોલ્ડરે ટોસ જીતીને ન્યૂઝીલેન્ડને દાવ આપ્યો હતો. પહેલી જ ઓવરમાં બે વિકેટ ગુમાવ્યા બાદ સુકાની કેન વિલિયમ્સનની વધુ એક સદી 148 રન અને અનુભવી રોશ ટેલરના 69 રનથી કિવી ટીમે પ0 ઓવરના અંતે 8 વિકેટે 291 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શેલ્ડન કાર્ટરેલને 4 અને બ્રેથવેટને 2 વિકેટ મળી હતી. આ પછી ક્રિસ ગેલના 84 દડામાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાથી 87 રન, હેટમાયરના 4પ દડામાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાથી પ4 રનથી એક તબક્કે વિન્ડિઝના 2 વિકેટે 142 રન હતા. આ પછી મિડલઓર્ડરનો ધબડકો થતાં વિન્ડિઝનો સ્કોર 7 વિકેટે 164 રન હતો. આવી સ્થિતિમાં કાર્લોસ બ્રેથવેટે એકલે હાથે ન્યૂઝીલેન્ડને લડત આપીને 82 દડામાં 9 ચોગ્ગા અને પ છગ્ગાથી 101 રનની ઇનિંગ્સ રમી હતી, પણ તે વિન્ડિઝ ટીમને જીત અપાવી શકયો ન હતો. વેસ્ટ ઇન્ડિઝ 49 ઓવરમાં 286 રને ઓલઆઉટ થયું હતું. બોલ્ટે 30 રનમાં 4 અને ફર્ગ્યુસને 3 વિકેટ લીધી હતી. કિવી કેપ્ટન કેન વિલિયમ્સન મેન ઓફ ધ મેચ બન્યો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer