આજે અફઘાનિસ્તાન વિ.બાંગલાદેશની ટક્કર

સાઉથમ્પટન, તા. 23 : ભારત વિરુદ્ધ લડાયક દેખાવ કરનારી પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ અફઘાનિસ્તાન સોમવારે રમાનારી મેચમાં બાંગલાદેશનો સામનો કરશે ત્યારે અફઘાન ટીમની વિશ્વકપ-2019માં પહેલી જીત પર નજર રહેશે. જો કે ગુલબદિન નૈબના સુકાનીપદ હેઠળની અફઘાનિસ્તાનની રાહ ઘણી કઠિન બની રહેશે, કારણ કે બાંગલાદેશની ટીમ વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. આથી આ મેચમાં બાંગલાદેશની ટીમની જીતની દાવેદાર મનવામાં આવી રહી છે. અફઘાનિસ્તાને ઇંગ્લેન્ડ સામે 397 રનનો સ્કોર સહન કર્યો હતો. પછીની મેચમાં ભારતને ફક્ત 224 રન ઉપર અટકાવી દીધું હતું અને જીતની સ્થિતિ પણ ઊભી કરી હતી, પણ આખરી 11 રને હાર મળી હતી. અફઘાન ટીમનો ઇરાદો ભારત સામે કરેલું પ્રદર્શનથી વધુ સારું પ્રદર્શન કરી બાંગલાદેશને ભીંસમાં લેવાનો રહેશે. બીજી તરફ બાંગલાદેશની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 322 રનનો પીછો કરીને જીત મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાના 382 સામે પ0 ઓવરના અંતે 8 વિકેટે 333 રન પર અટક્યું હતું. બાંગલાદેશની ચિંતા તેની નબળી બોલિંગ છે. જેણે પાછલી ત્રણ મેચમાં 320 રનથી વધુનો ખર્ચ કર્યો છે. આ એશિયન ટીમના 6 મેચમાં પ પોઇન્ટ છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer