ઢોરવાડાની ગેરરીતિની બદલાયેલી `મોડસ ઓપરેન્ડી''

ભુજ, તા. 23 : કચ્છમાં કાળમુખો દુકાળ તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં છે. રાજ્ય સરકાર આ દુકાળ મુદે્ પ્રારંભથી જ ગંભીર છે અને `અછત મેન્યુઅલ' ને કોરાણે રાખીને ઘાસ, પાણી, સબસિડી રૂપે રાહત આપી રહી છે અને ત્યારે જ ઢોરવાડાઓની સબસિડીમાં ઓછા ઢોર વધુ બતાવીને થતી ગેરરીતિની મોડસ ઓપરેન્ડી બદલાવીને હવે નાના ઢોરને મોટા બતાવીને અડધો અડધ ખોટી કે બોગસ સબસિડી મેળવવા પ્રત્યનશીલ થયા છે. અમુકે તો લાખો રૂા.ની સબસિડી લઈ પણ લીધી છે. જોકે ભુજ મામલતદારે આવી ગેરરીતિને ગંભીર ગણાવાને બદલે સંસ્થાની ભૂલ ગણાવી અન્યોમાં જરૂર પડયે તપાસ હાથ ધરવા ખાતરી આપી હતી. રાજ્ય સરકારે દિવાળી પહેલાં જ કચ્છને અછતગ્રસ્ત જાહેર કરી ગૌશાળા-પાંજરાપોળને વહેલી જ સબસિડી આપવાનું શરૂ કર્યું બાદમાં ઢોરવાડાઓની સબસિડી પણ રૂા. 35થી વધારીને રૂા. 70 કરી દીધી પણ અમુક ટ્રસ્ટ સંચાલકોએ પોતાના ઢોરવાડામાં નાના રૂા. 35 દૈનિક સબસિડી મળે તેવા ઢોરને મોટા બતાવીને રજિસ્ટરમાં ફેરફાર અને છેકછાક કરીને ડબલ સબસિડી અંકારી હોવાનો આક્ષેપ છે. ઢોરવાડાઓની તપાસમાં ગયેલી સરકારી ટીમોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજ તાલુકામાં જ કચ્છ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટના ચોપડાઓ, નાયબ કલેકટરમાં સબસિડી માટે મુકાયેલી દરખાસ્ત અને મામલતદારના ચોપડે અપાયેલી સંખ્યાની ત્રિનજરે તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સાબિત થઈ જાય. આ નવતર મોડસ ઓપરેન્ડી  સંદર્ભે ભુજ મામલતદાર સુશીલ પરમારનો સંપર્ક?સાધતાં તેમણે કબુલ્યું હતું કે ભોજરડો રોડ પર કચ્છ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ઢોરવાડો ચલાવાય છે તેના સરકારી દસ્તાવેજમાં ખાનાઓ બાજુબાજુમાં હોવાથી આંકડાઓ મૂકતી વખતે ભૂલ થઈ ગઈ હતી. જેને ગેરરીતિ ગણાય નહીં. ઢોરવાડાનું ચેકિંગ થયું ત્યારે નાનાઢોર હતા. 46 નંબરમાં ભૂલથી એ નાના ઢોર મોટામાં બતાવાયા અને દરખાસ્ત થઈ ગઈ પણ તંત્રનું ધ્યાન જતાં નોટિસ આપી એ ક્ષતિ સુધારવા જણાવાતા સંસ્થાએ ભૂલ સ્વીકારી  નાના-મોટા ઢોરના  અલગ-અલગ ખાતાઓમાં જે હકીકતમાં છે તે જ ઢોર લખી આપતા કોઈ પગલા લેવાયાં નથી. આ ઢોરવાડા તપાસવા જતી ટીમોમાંથી જ પ્રાપ્ત અન્ય વિગતો પણ ચોંકાવનારી અને ગેરરીતિની મોડસ ઓપરેન્ડી બદલાતી હોવાનું સાબિત કરે તેવી છે, ઢોરવાડો શરૂ થાય ત્યારે પશુપાલક જો નોંધાયેલો ખેડૂત ખાતેદાર હોય તો તેના વધુમાં વધુ પાંચ જ ઢોર કેટલ કેમ્પમાં લઈ શકાય પણ જો એ નોંધાયેલો ખેડૂત ન હોય અને માત્ર માલધારી જ હોય તો તેના 40 ઢોર (એક જણના નામે) ઢોરવાડામાં લઈ શકાય. આ ખેડૂત ખાતેદારવાળા જોગવાઈનો પણ ભુજ તા.માં આહીર પટ્ટી તથા પટેલ પટ્ટીના ગામોમાં ભંગ કરાયો છે અને ખેડૂતોને પશુપાલક બતાવી તેમના ઢોર સબસિડીને યોગ્ય બતાવાયા હોવાનું  પણ આ તપાસમાં બહાર આવ્યું  છે. જે અંગે મામલતદારે  જો કે અજાણતા દર્શાવી ભુજ તા.માં ચાલતા તમામ ઢોરવાડાઓની નાયબ કલેકટરમાં આવેલી સબસિડી માટેની દરખાસ્ત, મંજૂરી વખતના નાના-મોટા પશુના આંક અને મામલતદારમાં અપાયેલા આંકની ખરાઈ કરી ત્રણેયમાં એક જ આંક હોવાની ખાતરી કરીને જ સબસિડી ચૂકવાશે તેવી ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ગૌશાળા પાંજરાપોળને રૂા. 74 કરોડ અને ઢોરવાડાઓને 76.પ0 કરોડ, (પ00થી વધુ ઢોરવાડા જિલ્લામાં કાર્યરત છે) સબસિડી ચુકવી દીધી છે. સાચી જીવદયા ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓએ આ રકમમાં પોતાના દાતાઓની રકમ ઉમેરીને કપરોકાળ આસાનીથી પસાર થઈ જાય તેવા પ્રયાસ આદર્યા છે. જ્યારે લેભાગુઓ નાના-મોટા પ્રપંચો દ્વારા વધુ સબસિડી લૂંટવા પ્રયત્નશીલ હોવાનું ધીમેધીમે સાબિત થઈ રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer