બંગાળની ખાડીમાં હળવાં દબાણથી બુધવારે કચ્છ પણ ભીંજાઇ શકે

અમદાવાદ, તા. 23 (અમારા પ્રતિનિધિ તરફથી) : વાયુ વાવાઝોડાના કારણે વરસાદ ખેંચાઇ જશે તેવી આશંકા સેવાઇ રહી હતી, પરંતુ હાલ બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે, જે ગુજરાતમાં સારો વરસાદ લાવી શકે તેવી સંભાવના ઊભી થઇ છે. હળવા દબાણની અને ટર્ફની અસર હેઠળ દક્ષિણ ગુજરાતમાં નૈઋઍત્યનું ચોમાસું  બેસી શકે છે. આવતીકાલે તા. 24 જૂનથી ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રણ દિવસ સુધી  વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બંગાળની ખાડીમાં જે લો-પ્રેશર સર્જાયું છે તેના લીધે વરસાદી વાદળો ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યાં છે. જેનાં પરિણામે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, સાબરકાઠાં સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે.સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ પડી શકે છે. તા. 25મી જૂને રાજ્યના ભાવનગર, ગીર સોમનાથ, રોજકોટમાં મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે તા. 26મી જૂને રાજ્યના બનાસકાંઠા, અરવલ્લી, ભરૂચ, વલસાડ, નવસારી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને તા. 25 અને 26 જૂનના   દરિયામાં માછીમારોને ન જવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, વરસાદની ગેરહાજરીથી અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 39થી 41 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. જેને કારણે વાતાવરણમાં ગરમીની સાથે અસહ્ય બફારાથી લોકો પરેશાન થઇ  ગયા હતા. જો કે, આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે દક્ષિણ ગુજરાતમાં નૈઋઍત્ય ચોમાસું બેસવાના સંકેતો હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer