કચ્છ યુનિ.માંય ભ્રષ્ટાચારનાં છમકલાં !

ભુજ, તા. 23 : સરકારી તંત્રમાં ભ્રષ્ટાચારની બદીની ફરિયાદ અવારનવાર ઊઠે છે, પરંતુ કચ્છના ઉચ્ચ શિક્ષણધામ એવી કચ્છ યુનિવર્સિટીમાં પણ કેટલાક નિરંકુશ કર્મચારીઓ-અધિકારીઓ તક મળે ભ્રષ્ટાચારનો `હાથ' મારી લેતા હોવાના ગંભીર આક્ષેપ ઊઠયા છે. અરે આ મુદ્દે કેટલાક કોન્ટ્રાક્ટરોએ હવે તો જરૂર પડયે વળતો પ્રહાર કરવાનીય તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળે છે. ખુદ અંતરંગ બિનશૈક્ષણિક સૂત્રોએ એક દાખલો ટાંકીને આક્ષેપ કર્યો હતો કે, પ્રશ્નપત્રો અમદાવાદના ચોક્કસ પ્રિન્ટરને જ અપાતા હોવાનો શિરસ્તો છે, પરંતુ ગત વર્ષે લેવાયેલી પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાં એ જ પ્રિન્ટિંગ પ્રેસને બદલે અન્ય ખાનગી પ્રેસને કામ સોંપાયું હતું. એટલું જ નહીં, બે-ચારસો વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રોનું બિલ દસ લાખ જેટલું મોટું આપ્યું હતું. વધુમાં આ સૂત્રોએ દાવો કર્યો હતો કે, વેકેશનનો લાભ ભવનોના અધ્યક્ષોને  માટે માત્ર રજા મળ્યાને આધીન હોવા છતાં કોઇ?રજા વિના કેટલાકે રજા ભોગવી હતી. યુનિ.માં કરોડોની ગ્રાન્ટ આવે છે અને ભ્રષ્ટ સત્તાધારીઓ તક મળે `ચૂકતા' ન હોવાનો પણ તેમનો આક્ષેપ છે. બીજી તરફ યુનિ.ના અન્ય જાણકાર વર્તુળો  ભ્રષ્ટાચારના મુદ્દે એવો પણ આક્ષેપ છે કે, સિક્યુરિટીનાં  બિલો મંજૂર કરવાના બદલામાં  મસમોટી માગણી થાય છે. અગાઉ ઉચ્ચાધિકારીઓની `ઓથ' તળે  એકાદ-બે હાથ મારી પણ?લેવાયા હોવાનો દાવો કરતાં વધુમાં આ વર્તુળો આક્ષેપ કરે છે કે, હવે જો બિલ દબાવવાના પ્રયાસ થશે કે  અનુચિત માગણી થશે તો વળતો વાર કરવાની  તૈયારી કરી લેવાઇ છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં જેને જેને `છત્રછાયા' મળી એણે રિપેરિંગમાં, ખરીદીઓના ઊંચા બિલોથી સારી રકમ બનાવી લીધી કે કોન્ટ્રાક્ટરો પાસેથી પોતાના ઘરની પણ સાથેસાથે સજાવટ કરી લીધી હોવાનું ખુદ યુનિવર્સિટી સંકુલમાં ચર્ચાય છે. જો કે, આ સંદર્ભે યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. દર્શનાબેન ધોળકિયાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, તેમના પદ સંભાળ્યા બાદ હજુ આવી કોઇ ફરિયાદ તેમને પહોંચી નથી, પરંતુ ચોક્કસ તપાસ કરાશે. બાકી પરીક્ષાના પ્રશ્નપત્ર ખાનગી પ્રેસમાં છપાયાનો આક્ષેપ આધારવિહીન છે. કારણ કે  આવું છાપકામ ગુપ્ત રખાતું હોય છે. આમ છતાં તેની તપાસ થશે. બાકી, બિલો પાસ ન કરવા અને દબાવી રાખવાના કેટલાક કર્મચારીઓ સામેના આક્ષેપ વિશે તેમણે કહ્યું કે, એ બાબતે તથ્યની ચકાસણી થશે. જો હશે તો હવે નહીં ચલાવાય. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer