ગાંધીધામમાં ભારતનગર જાણે લુખ્ખા તત્વોના તાબામાં : પાઠ ભણાવવા હવે કાર્યવાહી જરૂરી

ગાંધીધામ, તા. 23 : શહેરનાં મધ્યમ વર્ગીય એવા ભારતનગર વિસ્તારમાં સાંજ પડે ને લુખ્ખા અને અસામાજિક તત્વોનો આતંક બહાર આવતો હોય છે આ અંગે અનેક વખત વેપારી સંગઠનોએ રજૂઆત કરી છે છતાં તેનો કોઇ યોગ્ય નિકાલ આવતો નથી. શહેરનાં ભારતનગર વિસ્તારની મુખ્ય બજારમાં સાંજ પડે અને લુખ્ખા તત્વો આવી જતાં હોય છે. આવા અમુક તત્વો પોતાના વાહનો રોડની બાજુએ મૂકી તેના ઉપર અડિંગો જમાવીને બેઠા હોવાનો આક્ષેપ છે. માહિતગારો કહે છે કે, સાંજથી રાત સુધી અમુક શખ્સોની ટોળકી અહીં બેસી રહે છે. બજારમાં ખરીદી કરવા આવનાર કે અહીંથી પસાર થનાર મહિલાઓ, યુવતીઓની છેડતી સહિતના બનાવો અહીં બન્યા છે. આવા તત્વો બેફામ ગાળો બોલતા હોવાથી મહિલાઓને આવી જગ્યાએથી નીકળવું પણ દુષ્કર થઇ ગયું છે. અહીં પોલીસ ચોકી બનાવવા વર્ષ 2011માં જ પાલિકાએ ઠરાવ કર્યો હતો જ્યાં થોડાક દિવસ કન્ટેનરમાં પોલીસ ચોકી કાર્યરત કરાઇ હતી પરંતુ બાદમાં તે હટાવી લેવાઇ છે. આ વિસ્તારમાં ઉભા રહેતા અમુક આવારા તત્વોને પોલીસ પાઠ નહીં ભણાવે તો આગામી સમયમાં અનિચ્છનીય બનાવ બનવાની દહેશત અહીંના વિસ્તારના લોકોને સતાવી રહી છે. સાંજના સમયે અહીં સતત પેટ્રોલીંગ કરી આવારા તત્વોને કાયદાનો પાઠ ભણાવવા અહીંના વેપારી એસો.એ ફરી એક વખત પોલીસને રજૂઆત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer