કંડલામાં કંપનીનો 95 હજારનો સરસામાન ચોરાયો

ગાંધીધામ, તા. 23 : કંડલામાં આવેલ ખાનગી કંપનીના પાઇપ તથા એલ્યુમિનિયમનું કવરિંગ એમ કુલ્લ રૂા. 95,000ની મતાની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. તેમજ ભચાઉના જંગીમાં ખાનગી પવનચક્કીના રૂા 39,400ના વાયરની ચોરીનો બનાવ બહાર આવ્યો હતો. કંડલામાં આવેલ આહીર સોલ્ટ એન્ડ એઁલ.આઇ.ટી. પ્રોડકટસ પ્રા. લિમિટેડ નામની કંપનીના પાઇપ ચોરાયા હતા. કોઇ કંપની વિદેશથી ખાદ્યતેલ મગાવે તેનો સંગ્રહ આ કંપની આહીર સોલ્ટ કરે છે. આ કંપનીએ રેલવે પુલ નીચે પોતાની પાઇપ લાઇન બિછાવી છે તે એસ.એસ. સ્ટીલ 14 ઇંચનો 35 મીટર પાઇપ તથા ઓઇલ જેટીથી આ કંપની સુધી જતી લાઇન ઉપરથી 90 મીટરનું એલ્યુમિનિયમ કવરિંગ એમ કુલ્લ રૂા. 95,000ની મતાની કોઇ શખ્સોએ ચોરી કરી હતી. ગત તા. 3-6થી 22-6 દરમ્યાન બનેલ આ બનાવ અંગે કંપનીના માલિક મિહિર તેજાભાઇ કાનગડે પોલીસ ફરિયાદ કરવાનું કહેતાં શંભુ સધાભાઇ ચાવડા (આહીર) એ આ બનાવ અંગે આજે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ જંગી ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ગત તા. 13-6ના ચોરીનો બનાવ બન્યો હતો. આ સીમમાં આવેલ એસ-28માં તસ્કરો કળા કરી ગયા હતા. આ પવનચક્કીમાં લાગેલ 300 સ્કેયર એમ.એમ. 272 મીટર, 185 સ્કેયર એમ.એમ. 40 મીટર, 240 સ્કેયર એમ.એમ. 300 મીટર આમ ક્લ્લુ રૂા.  39,400ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા. આ બનાવમાં વેરશી પચાણ આહીરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પૂર્વ કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો, ચીલઝડપ કરનાર તત્ત્વોએ ફરી પાછું માથું ઉંચકયું છે ત્યારે પોલીસ આળસ ખંખેરીને આવા તત્ત્વોને જેલના સળિયા પાછળ ધકેલી દે તેવી માંગ લોકોમાં ઊઠી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer