ભોરારા નજીક 80 હજારનો શરાબ ભરીને જઇ રહેલી જીપકાર ઝડપાઇ

ભુજ, તા. 23 : મુંદરા તાલુકામાં ભોરારા પાટિયા ખાતે બાતમીના આધારે વોચ ગોઠવીને સ્થાનિક મુંદરા પોલીસે પાડેલા દરોડામાં મહિન્દ્રા બોલેરો જીપકારમાં લઇ જવાતો રૂા.79,800ની કિંમતનો 228 બાટલી ભારતીય બનાવટનો અંગ્રેજી પ્રકારનો શરાબ ઝડપાયો હતો. અલબત જથ્થો લઇને જઇ રહેલો રાપર તાલુકાના ગાવિંદપર ગામનો બળવંતાસિંહ અચુભા સોઢા દારૂ ભરેલી જીપકાર મૂકીને નાસી ગયો હતો. સત્તાવાર સાધનોએ આપેલી આ વિશેની જાણકારી મુજબ આ કાર્યવાહીમાં પોલીસને એવી બાતમી મળી હતી કે વાગડના ગાવિંદપર ગામનો બળવંતાસિંહ સોઢા સફેદ રંગની બોલેરોમાં દારૂનો જથ્થો લઇને નીકળવાનો છે. તે મોખા ટોલનાકે થઇ પ્રાગપર થઇ નીકળવાનો હોવાની બાતમીના આધારે ભોરારા પાટિયા પાસે વોચ ગોઠવી પોલીસે આ સફળતા મેળવી હતી. પોલીસે બાતમી મુજબની આ જીપકારને રોકવા માટે પ્રયાસ કરતાં વાહન ભગાડી મુકાયું હતું. પણ તેનો પીછો કરાતાં આરોપી વાહન ભોરારા ગામની નર્મદા કેનાલ પાસે મૂકી ભાગી ગયો હતો. જીપકારમાંથી શરાબની 228 બાટલી કબજે કરાઇ હતી. જેની કિંમત રૂા. 79,800 અંકારાઇ છે. તો રૂા. પાંચ લાખની જીપકાર પણ કબજે લઇ નાસી છુટેલા આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. મુંદરાના કાર્યકારી પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ.ઝાલા સાથે સ્ટાફના સભ્યો દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer