ટ્રક લૂંટનારી એ ટોળકીએ માધાપરમાં પાણીપૂરીના ધંધાર્થીને પણ લૂંટયો હતો

ભુજ, તા. 23 : તાલુકામાં શેખપીર ખાતે ટ્રકની લૂંટના મામલામાં પકડાયેલી ટોળકીએ તાલુકાના માધાપર ગામે પાણીપૂરીના ધંધાર્થી પાસેથી પણ રૂા. 3500ની રોકડની લૂંટ ચલાવી હોવાનું તેમની પૂછતાછ હેઠળ બહાર આવ્યું હતું. આ લૂંટારુ ટોળીને આજે કોર્ટ સમક્ષ રજૂ કરીને પોલીસે તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શેખપીર ટ્રકની લૂંટના કેસમાં પકડાયેલી પાંચ જણની ટોળકીના સગીર વયના સભ્ય સિવાયના ચાર જણ મુમતાઝ ઇમરાન મામદ આરબ, રહીમ કાસમ આરબ, ઇસ્માઇલ ઉર્ફે રઘુડો કુંભાર અને ધ્રુવ કરણ ઠકકરને પોલીસે આજે સ્થાનિક ચીફ કોર્ટ સમક્ષ રિમાન્ડની માગણી સાથે પેશ કર્યા હતા. ન્યાયાધીશે પોલીસની દલીલો ગ્રાહ્ય રાખીને આ ચારેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ હેઠળની પૂછતાછમાં ખૂલેલી વિગતો અનુસાર આ ચારેય જણે ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે સરકારી દવાખાનાની બાજુમાં રોડ ઉપર પાણીપૂરીનો વ્યવસાય કરતા મૂળ રાજસ્થાનના મુકેશ બાબુ માલીને બે દિવસ પહેલાં શુક્રવારે રાત્રે નવેક વાગ્યે લૂંટયો હતો. આરોપીઓએ ભોગ બનનારને લાફા મારી તેની પાસેથી રૂા. 3500 છીનવી લીધા હતા તેવું બહાર આવ્યું છે. આ બનાવ બાબતે આજે વિધિવત ગુનો દાખલ કરાયો હતો. પોલીસ ઇન્સ્પેકટર એમ.જે. જલુના માર્ગદર્શન તળે ફોજદાર એ.એન. ભટ્ટે આ કેસની તપાસ હાથ  ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer