પૂર્વ કચ્છ પોલીસને મળી લેઝર સ્પીડ ગન

પૂર્વ કચ્છ પોલીસને મળી લેઝર સ્પીડ ગન
ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છ પોલીસ બેડાંની ટ્રાફિક શાખા માટે સરકાર દ્વારા લેઝર સ્પીડ ગન આપવામાં આવી છે. નિર્ધારિત ગતિ કરતાં વધારે ગતિમાં ગાડી હંકારનારા હવે સકંજામાં આવશે. આજે આ ગનની તાલીમનું આયોજન  કરાયું હતું. રાજ્ય સરકાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસ બેડાંની ટ્રાફિક શાખા માટે  અંતે લેઝર સ્પીડ ગન ફાળવવામાં આવી હતી. આ ગન કેવી રીતે કામ કરે છે તે માટે જિલ્લા ટ્રાફિક ગાંધીધામ, આદિપુર અને અંજાર  ટ્રાફિક પોલીસ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાંધીધામ-આદિપુરને જોડતા ટાગોર રોડ માટે અગાઉ 40 કિ.મી.ની ગતિ મર્યાદા નક્કી કરાઇ છે જે અંગે જિલ્લા સમાહર્તા દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ ટાગોર માર્ગની  આસપાસ માર્ગ અને મકાન બાંધકામ વિભાગ દ્વારા 40ની ગતિ મર્યાદા દર્શાવતા સાઇન બોર્ડ લગાડવામાં આવશે તે બાદ પોલીસ પોતાની કામગીરી હાથ ધરશે.  પોલીસે જણાવ્યું હતું કે, કોઇપણ વાહન આ માર્ગ ઉપર નિર્ધારિત ગતિ કરતાં વધારે ગતિમાં હશે તો આ લેઝર ગનમાં તે આવી જશે અને બાદમાં થોડે આગળ ઊભેલી અન્ય ટીમના હાથમાં રહેલા લેપટોપમાં તે ગાડીના નંબર વગેરે આવી જશે અને તરત જ તે અંગેની એક પ્રિન્ટ (પરચી) પ્રિન્ટરમાંથી બહાર આવશે. જે ગાડી નંબર સાથેની પરચી બહાર આવશે તે વાહનચાલકને ઊભા રખાવી તેને દંડ ફટકારવામાં આવશે. એકવાર વધુ ગતિમાં પકડાયેલા વાહનનો રેકોર્ડ આ લેપટોપમાં સેવ થઇ જશે અને બાદમાં તે વાહન વધુ વખત પકડાશે તો દંડની રકમ વધતી જશે તેવું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું.  આજે આ મશીનની તાલીમ વેળાએ જિલ્લા ટ્રાફિકના પીએસઆઇ એમ.જી. જાડેજા, સિટી ટ્રાફિકના પીએસઆઇ એસ.એન. કરંઝિયા વગેરે હાજર રહ્યા હતા. આ ગનનો બાદમાં અન્યત્ર પણ ઉપયોગ કરવામાં આવશે. ટાગોર માર્ગ ઉપર માતેલા સાંઢની માફક દોડતા જીપડા, તૂફાન, લકઝરી બસ, ટ્રક, ટેન્કર અને ધૂમ સ્ટાઇલથી પોતાનું વાહન હંકારતા શખ્સો હવે પોલીસના સકંજામાં આવશે તેવી લાગણી વ્યકત કરાઇ હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer