સ્કૂલ પરિવહનમાં નિયમભંગ કરતા 62 વાહન ડિટેઇન કરાયા

સ્કૂલ પરિવહનમાં નિયમભંગ કરતા 62 વાહન ડિટેઇન કરાયા
ભુજ, તા. 18 : શાળામાં વિદ્યાર્થીઓના પરિવહન માટે માર્ગો પર દોડતા ખાનગી રિક્ષા છકડા, વેન અને સ્કૂલબસોની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આર.ટી.ઓ.) તથા પોલીસ વિભાગની સંયુક્ત તપાસ આજે પણ વેગવંતી બનીને જારી રહી હતી અને 50 કેસ કરવામાં આવ્યા હતા તથા વિદ્યાર્થીઓની સલામતી અંગે કચાશ ધરાવતાં  વાહન ડિટેઇન કરવા સાથે 56 હજાર ઉપરાંતની દંડવસૂલાત કરવામાં આવી હતી. ઝુંબેશ દરમ્યાન કુલ ચાર લાખ ઉપરાંતનો દંડ વસૂલવામાં  આવ્યો છે. ભુજ અને આસપાસના વિસ્તારો ઉપરાંત ગાંધીધામ તથા આસપાસના વિસ્તારોમાં પથરાયેલી શાળાઓનાં દ્વારે કે તેની નજીકમાં ગોઠવાયેલી આર.ટી.ઓ., પોલીસ ઇન્સ્પેક્ટરોની ટુકડીએ સ્કૂલ વાહન તપાસવાનું જારી રાખ્યું હતું. સૂત્રોએ કહ્યું કે, અત્યાર સુધીની તપાસમાં અનેક વાહનોમાં વિદ્યાર્થીઓની સલામતી અંગેની અનેક ક્ષતિઓ નજરે પડી હતી. બેઠક વ્યવસ્થાથી માંડી સલામતીની જાળીઓનો અભાવ અને બેઠક ક્ષમતા કરતાં અનેકગણી સંખ્યામાં બાળકો બેસાડવા સહિતના નિયમ ભંગ નજરે ચડયા હતા. સત્તાવાર મળતી વિગત અનુસાર જિલ્લાભરમાંથી હજુ સુધી 152 કેસ કરવામાં આવ્યા હતા. કુલ 62 વાહનને ડિટેઇન કરાયા હતા જ્યારે દંડ?પેટે કુલ 4,19,955 રૂા.ની વસૂલાત કરવામાં આવી હતી. દરમ્યાન, મુંદરાથી પ્રતિનિધિના હેવાલ અનુસાર સ્થાનિક પોલીસ તંત્રે બાળકોને સ્કૂલે લઇ જતા વાહનોનું ચેકિંગ કરીને જુદા જુદા ગુના હેઠળ આઠ વાહનોને કબજે કરવામાં આવ્યા હતા. ઉપરાંત 15 જેટલા વાહનો ઉપર એન.સી. કેસ દર્જ કરવામાં આવ્યા હતા. પી.આઇ. ડી. એમ. ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના કર્મચારીઓ દ્વારા બારોઇ રોડ, ઉમિયાનગર સહિતના વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. નગરજનોની લાંબા સમયની ફરિયાદ હતી કે સ્કૂલ વાહનોમાં બાળકોને વધુ સંખ્યામાં અને જોખમી રીતે સ્કૂલમાં લાવવા-લઇ જવામાં આવે છે. પોલીસની આજની કાર્યવાહીને બિરદાવતાં સુજ્ઞ નાગરિકોએ તંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી અને શરૂ કરેલી ઝુંબેશ સતત ચાલુ રાખવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer