કોઠારા વીજ સબ સ્ટેશનમાંથી પૂરતી વીજળી ન મળતાં કપાસનો પાક સુકાય તેવી દહેશત

કોઠારા વીજ સબ સ્ટેશનમાંથી પૂરતી વીજળી ન મળતાં કપાસનો પાક સુકાય તેવી દહેશત
નલિયા, તા. 18 : કોઠારા 66 કે.વી. સબ સ્ટેશનમાંથી ખેત વિષયક વીજળી પુરવઠો મેળવતા ખેડૂતોને પૂરતો વીજળી પુરવઠો મળતો નથી એટલું જ નહીં અનિયમિત પુરવઠો મળતાં કપાસનાં પાકને પૂરતી પીયત કરી શકાતી નથી તેવી ફરિયાદ ઊઠી છે. આજે સિંધોડી પાસે 66 કે.વી. સબ સ્ટેશન પાસે વાંકુ, મોટી સિંધોડી, વાડાપદ્ધર, લાલા, પરજાઉ, રાપર (ગઢ) વગેરે ગામોના ખેડૂતો એકઠા થઇ પૂરતો વીજળી પુરવઠો મળવાની માગણી સાથે પૂરતા પ્રમાણમાં વીજ વોલ્ટેજ મળે તે માટે અલગ વીજ ફીડરની માંગ કરી હતી. આ અંગે સિંધોડીના કાનજીભાઇ ગઢવી, દિલુભા જાડેજા પરજાઉ, મામદ સંઘાર લાલા વગેરે 100થી વધુ ખેડૂતોએ રજૂઆત કરી હતી. એક અલગ યાદીમાં તા.પં.ના વિપક્ષી નેતા અબ્દુલભાઇ ગજણે અધીક્ષક ઇજનેર ભુજને મોકલેલા આવેદનપત્રમાં કોઠારા 66 કે.વી. હસ્તે ખેત વિષયક 18 ફીડરો છે આ પૈકી કેટલાક ફીડરો સંપૂર્ણ બંધ છે. કોઠારા પી.જી.વી.સી.એલ.ના જવાબદારો પાસે વખતોવખત રજૂઆતો કરવા છતાં કોઇ દાદ મળતી નથી. હાલે કપાસના પાકને વીજળી પુરવઠાના અભાવે પીયત ન થતાં નુકસાનીનો ભય ઊભો થયો છે. વાવાઝોડું કે વરસાદ ન હોવા છતાં વીજળી પુરવઠો અનિયમિત અને ઓછા વોલ્ટેજ મળતાં ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. પરિસ્થિતિ નહીં સુધરે તો વીજબિલ ખેડૂતો નહીં ભરે તેમજ એક અઠવાડિયામાં સ્થિતિ નહીં સુધરે તો આંદોલનની ચીમકી આપી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer