કચ્છના કૃષિ મહોત્સવોમાં જળ-વીજળીસંચય પર ભાર

કચ્છના કૃષિ મહોત્સવોમાં જળ-વીજળીસંચય પર ભાર
ભુજ, તા. 18 : જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ આધુનિક ઓજારો, કૃષિ પદ્ધતિઓ, જળસંચય, વીજળીસંચયના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચાડવા તેમજ કૃષિલક્ષી વિકાસને લગતી માહિતી આપતા કૃષિ મહોત્સવો કચ્છમાં વિવિધ સ્થળે યોજાયા હતા. આ કૃષિ મહોત્સવમાં ખાસ કરીને જળસંચય તથા વીજળીસંચય પર ભાર મુકાયો હતો. નખત્રાણાના વિદ્યાર્થી ભવન ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવનું દીપ પ્રાગટય અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિ.સા. ન્યાય સ. ચેરમેન વસંતભાઇ વાઘેલા, ન.તા. પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ તેમજ જયસુખભાઇ પટેલ, રામજીભાઇ રામાણી, દિલીપભાઇ નરસિંગાણી, કેસરબેન મહેશ્વરી, દેવીબેન કુંવટ, જયશ્રીબેન પટેલ, પ્રાંત અધિકારી જી.કે. રાઠોડ, મામલતદાર એ. કે. રાઠોડના હસ્તે કરવામાં આવ્યું હતું. મહોત્સવના અધ્યક્ષસ્થાનેથી બોલતાં પ્રાંત અધિકારી શ્રી રાઠોડે કહ્યું હતું કે, ખેડૂતોએ સજીવ ખેતી તરફ વળવા તેમજ પાક મૂલ્યવૃદ્ધિ તથા ગાયોનો ઉપયોગ કરવાની સાથે તેનું મહત્ત્વ સમજાવી આધુનિક ખેતી પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત કૃષિ યુનિવર્સિટીના ખેતી વૈજ્ઞાનિકો દ્વારા ઉપસ્થિત ધરતીપુત્રોને ખેતી તેમજ બાગાયતી પાકો અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ખેડૂતોના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કે. ડી. સોલંકી (તાલુકા નોડેલ અધિકારી)એ કર્યું હતું. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી તેમજ ખેતી, સહકારી યોજનાઓનું માર્ગદર્શન મેળવે તે માટે ગ્રામસેવકો તથા આત્માના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. સંચાલન અશોકભાઇ પાટિલ (મુ.શિ. ચાવડકા પ્રા. શાળા) તથા ગ્રામસેવક વી. એમ. ધરજિયાએ કર્યું હતું. આભારવિધિ જી.પી. પટેલ (વિસ્તરણ અધિકારી)એ કરી હતી. રાપર ખાતે ખોડિયાર મંદિર ખાતે રાપર તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત, વન વિભાગ, આરોગ્ય, એગ્રીકલ્ચર, એગ્રોસેલ, બેંક ઓફ બરોડા, એ.બી.સી., જીએસએફસી, જીજીઆરસી, મહિન્દ્રા ટ્રેક્ટર સહિતના પંદરથી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં રાપર તાલુકાના ખેડૂતો જોડાયા હતા. આ કૃષિમેળામાં જિ.પં.ના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, મદદનીશ ખેતી નિયામક અને તાલુકા અમલીકરણ અધિકારી એન.બી. નાયક, મામલતદાર એચ.જી. પ્રજાપતિ, તા.પં. પ્રમુખ હરખીબેન વાઘાણી, ઉપપ્રમુખ હમીરજી સોઢા સહિતના અનેક રાજકીય આગેવાનો, અધિકારીઓ, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. કોઠારા (તા. અબડાસા) મધ્યે અબડાસા તાલુકાનો ખરીફ કૃષિ મહોત્સવ કોઠારા પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોદ્યોગ સંઘના સંકુલમાં યોજાયો હતો. આ કૃષિ મહોત્સવને અબડાસાના પ્રાંત અધિકારી શ્રી ઝાલા, મામલતદાર શ્રી ગઢવી, અબડાસા તા.પં.ના કારોબારી ચેરમેન મહેશોજી સોઢા, જિ.પં. સદસ્ય કિશોરસિંહ જાડેજા, સિંચાઇ સમિતિના ચેરમેન ભાવનાબા પી. જાડેજા, હિંમતસિંહ (મુન્નાભાઇ) જાડેજા, પરેશસિંહ જાડેજા દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કૃષિ મહોત્સવના સૌ પ્રથમ ખાદી સંસ્થાના મંત્રી ખોડુભા જાડેજા દ્વારા મંચસ્થ મહેમાનોનું પ્રતીક ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ મહાનુભાવોએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ છે તથા આ યોજનાનું કેવી રીતે અમલ કરશું તથા ખેડૂતો યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવું જણાવ્યું હતું. વિવિધ ઉત્પાદન કેવી રીતે કરવું તેની સમજ આપી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અ.ભા.કિ. સંઘના મહાવીરસિંહ જાડેજા, અનુભા જાડેજા, કાનજીભાઇ ગઢવી તથા નલિયા વીઆરટીઆઇના અમરાભાઇ, મદદનીશ ખેતી નિયામક જિલ્લાના વિક્રમસિંહ ચૌહાણ, સર્વે સંરક્ષણના વૈજ્ઞાનિક ડો. નાકરાણી હાજર રહ્યા હતા. સંચાલન પ્રતાપસિંહ સોઢા તથા આભારવિધિ વિસ્તરણ અધિકારી ભરતસિંહ પરમાર દ્વારા કરવામાં આવ્યા હતા.સાડાઉ કૃષિ મહોત્સવમાં મેડિકલ કેમ્પમુંદરા તાલુકાનાં સાડાઉ ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારિયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રતડિયા દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ખેડૂતો તથા ગ્રામજનોએ લાભ લીધો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer