કૃષિસાધનોનાં નિર્માણમાં ગાડલિયા વ્યસ્ત

કૃષિસાધનોનાં નિર્માણમાં ગાડલિયા વ્યસ્ત
વસંત પટેલ દ્વારા-
કેરા (તા. ભુજ), તા. 10 : નકામા ડબ્બામાંથી સુપડા, સુપડી, ચૂલા, લોખંડના નકામા પટ્ટામાંથી રાંપ, પાવડી, કોશ, કોદાળી, તાવીથો, સાણસી, દાંતા, ખરપી, દાતરડા સહિતના કૃષિ અને ઘરવપરાશના ઓજારો બનાવતા ગાડલિયાને કામ કરતા જોવાનો પણ એક લ્હાવો છે. ઓણ સાલ દુકાળના ડામ ખમેલો આ વર્ગ કૃષકોના નવા વરસની તૈયારીમાં સાથ આપવામાં જોતરાયો છે. મૂળ મારવાડ રાજસ્થાનથી કચ્છ આવ્યાની છઠ્ઠી પેઢીના બુઝુર્ગ પ્રેમજી હીરા સોલંકી (લોહાર)નો હાથ પાંચાળામાં વખણાય છે. દાંતી, પાવડી અને રાંપ તો પ્રેમજીની... આ શબ્દો ઘણખરા ખેડૂતોના મોઢે સાંભળ્યા છે. ત્રણ ભાઈ ખીમજી અને વીરજી એક કેરા, નારાણપર, બળદિયા, માનકૂવા, સામત્રા, સુખપર ગામોગામ એક એક ગાડલિયા ક્યાંક બે તો ક્યાંક ત્રણ પરિવારો સમજૂતીથી વહેંચણી કરી લે છે. ખોટી હુંસાતુંસી કે સ્પર્ધા સ્વભાવમાંય નથી અને બધું મને જ હોય તેવી ખેંચ પણ નથી. કુંદનપર રહેતા પ્રેમજી બાપાની મૂછો, દાઢી સાથે સફેદીમાં પરંપરાગત પાઘ અને ખેસ, પાંચહથું શરીર શ્રમમાં કસાયેલું છે. પત્ની, પુત્રી-પુત્ર બધા આ કામમાં જોડાયેલા રહે છે. સવારના 9થી સાંજે સાત સુધી ઠપ ઠપ કરતો શ્રમજીવી ચોમાસાના ઓજારોના આગોતરા ઓર્ડરમાં પ્રવૃત્ત છે. કંપનીઓના મોંઘાદાટ રોટાવેટરના જોટા પણ હવે આ કસબીઓ બનાવે છે. ગાડાથી વણઝારાની જેમ ફરતા તેથી ગાડલિયા ભલે કહેવાયા પણ લુહાર જેવું જ કામ. બાપા કહે છે; પહેલાં પોટલિયા ધમણો હતી પછી પંખા આવ્યા જે હાથથી ફરાવાતા ને હવે છેલ્લા બે દાયકાથી ઘણમશીન વાપરીએ છીએ. જે ઉભડિયા મશીનથી ચાલે છે. અમારા તો છોરા આ કામમાં આંખ ખોલે એટલે કોઈને કંઈ શીખવાડવું ન પડે..! બે પૈસા થાય તો ગાડલિયા વેલ્ડિંગ કે ફેબ્રિકેશનનું કામ આગળ વધારે પણ લોખંડ સાથેનો સંબંધ અકબંધ રહ્યો છે. દેવતણખી લોહાર વર્ગ મોમાય માતાજીનો ભક્ત છે. ભોળોભલો, નિખાલસ, ગભરુ આ સમુદાય વેસ્ટમાંથી બેસ્ટ બનાવનાર છે. ભંગારના વાડામાંથી ટ્રકના તૂટેલા નકામા પટ્ટા લાવે છે તેમાંથી કાપી-વાળી ખેડૂતોને ઉપયોગી-ટકાઉ ઓજાર બનાવી આપે છે. ગાડલિયા અને કૃષકોની જુગલજોડી હોય છે. બન્ને એકબીજા વગર અધૂરા. હાલ છેલ્લા ત્રણ વર્ષથી કાળમુખાએ શોષી લીધા છે છતાંય એમ કેમ હિંમત હરાય. પુન: એકવાર નિરાશા ખંખેરી ધરતીપુત્રો ખેડ-ખાતર માટે સજ્જ થયા છે તો તેના સાથીદાર તરીકે લોહાર ગાડલિયા પણ જોશભેર અછતની કઠોર વાસ્તવિકતાને કાપી રહ્યા છે. અછત વર્ષમાં ધંધા ઓછા હોવાથી ગાડલિયા લગ્નપ્રસંગ ટાળે છે અને ખર્ચ ઓછો થાય તેમ જીવે છે. પણ હવે એ કહે છે સાહેબ ઓણ સાલ જોજો ધણી તારી દેશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer