દાદરમાં મોદીની જીતની ખુશાલીમાં આ રસોઈયાએ 500 લોકોને આઇક્રીમ ખવડાવ્યો

દાદરમાં મોદીની જીતની ખુશાલીમાં આ રસોઈયાએ 500 લોકોને આઇક્રીમ ખવડાવ્યો
કનૈયાલાલ જોશી તરફથી-
મુંબઈ, તા. 18 : વારાણસીમાં નરેન્દ્ર મોદીના જ્વલંત વિજયથી ખુશ થઈને દાદરમાં જૈન ભોજનશાળાના એક રસોઈયા મહારાજે 400-500 લોકોને આઈસક્રીમ ખવડાવીને મીઠું મોઢું કરાવ્યું હતું. દાદર-વેસ્ટમાં વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ સંચાલિત ભોજનશાળા ચાલે છે, જ્યાં દૂરથી નોકરી-ધંધાર્થે આવતા જૈન ભાઈઓને બપોરે એક ટક ભોજન મહિને માત્ર 500 રૂા. ચાર્જથી આપવામાં આવે છે. દર ગુરુવારે મીઠાઈ-ફરસાણ અને કેરીની મોસમમાં ગુરુવારે રસપુરી અપાય છે, જેનો 400થી વધુ જૈન નોકરિયાતો લાભ લે છે. આ બધી રસોઈ પપ્પુ મિશ્રા મહારાજ કરે છે. આ માહિતી આપતાં સંઘના મેનેજિંગ ટ્રસ્ટી અનિલભાઈ ધરોડે જણાવ્યું કે, અમારા રસોઈયા મહારાજ પપ્પુ મિશ્રા વારાણસીના છે. આ વખતની લોકસભાની ચૂંટણીમાં વારાણસીમાં નરેન્દ્ર મોદીની જીત થતાં બહુ રાજી થઈ ગયા અને ભોજનશાળામાં આવતા તમામ લોકોને પોતાના તરફથી આઈસક્રીમ ખવડાવવાની ઇચ્છા દર્શાવી ત્યારે અમે સંમતિ આપી હતી. પપ્પુ મિશ્રા સાથે ટેલિફોન પર વાત કરતાં તેમણે કહ્યું કે, બનારસમાં મોદીજીએ કામ કર્યું છે. એટલું કામ 50 વરસમાં નથી થયું. મોદીજીએ બનારસને સ્વર્ગ બનાવી દીધું છે. રસ્તા, વીજળી-પાણી વગેરે સુવિધા કરી આપી છે.  ચૂંટણીમાં તેમના વિજયના સમાચાર મળ્યા એટલે મેં મારા ઘરમાં વાત કરી. મારી પત્ની અને બાળકો પણ ખુશ થઈ ગયાં. મેં જે કર્યું તે મારી ખુશી માટે કર્યું છે. મોદીજીનાં કાર્યોથી ખુશ છું અને એટલે સુધી કહીશ કે, તેમને વારાણસીના કાયમી સાંસદ નીમી દેવા જોઈએ!

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer