ખેડૂતોને સજીવ ખેતીના ફાયદા જણાવાયા

ખેડૂતોને સજીવ ખેતીના ફાયદા જણાવાયા
અંજાર, તા. 18 : સમગ્ર કચ્છમાંથી વિવિધ ખેતપેદાશો દેશ-વિદેશમાં નિકાસ કરાય છે તે  અહીંના ખેડૂતો માટે ગૌરવની વાત છે તેમ જણાવી રાજ્યમંત્રી વાસણભાઇ આહીરે ખેડૂતોના ઉત્પાદનની સાચવણી માટે કોલ્ડ સ્ટોરેજ માટે વિશેષ પ્રયાસો કરાઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું. અંજાર તા.નાં ખંભરા ખાતે આયોજિત જિલ્લાકક્ષાના 15મા કૃષિ મહોત્સવમાં અધ્યક્ષીય સંબોધન કરતાં શ્રી આહીરે ઉમેર્યું કે જિલ્લાને ડાર્કઝોનમાંથી મુક્તિ અપાવીને રાજ્ય સરકારે વીજ કનેક્શન આપી ખેતીના સ્તરને ઊંચું લાવ્યું છે. સજીવ ખેતી કરી રહેલા ખેડૂતોમાંથી પ્રેરણા લઇ એ તરફ વળવા અનુરોધ કર્યો હતો. સરકાર દ્વારા કિસાન ઇનપુટ સહાય યોજના હેઠળ રાજ્યમાં 1146 કરોડ રૂપિયામાંથી સૌથી વધુ 247 કરોડ ફક્ત કચ્છ માટે ફાળવાયા છે તે માટે સરકારનો આભાર માન્યો હતો.પ્રારંભે શ્રી આહીરે એક્ઝિબિશન કમ સેલના સ્ટોલની મુલાકાત લીધી હતી. આ અવસરે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ખેતીમાં વધુ આગળ વધવા અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ ખેડૂતોના લાભની આંકડાકીય વિગતો રજૂ કરી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જીવાભાઇ આહીરે જણાવ્યું કે અછતની ભયંકર પરિસ્થિતિમાં જિલ્લામાં એક પણ પશુનું મોત નથી થયું. કૃષિ મહોત્સવ પ્રસંગે જિલ્લાના ત્રણ ખેડૂતોને હાલમાં જ નાયબ મુખ્યમંત્રીના હસ્તે સરદાર કૃષિ સંશોધન પુરસ્કાર અપાયો હતો ત્યારે આજે ખંભરા ગામના કિશોરભાઇ કાન્તિભાઇ પરમારને રાજ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપી સન્માનપત્ર, શિલ્ડ, તેમજ 50,000નો ચેક અર્પણ કરી સન્માનિત કરાયા હતા. વધુમાં જિલ્લા તેમજ તાલુકાકક્ષાનો આત્મા એવોર્ડ પણ પ્રગતિશીલ ખેડૂતોને અર્પણ કરાયો હતો. સેમિનારમાં દાંતીવાડા કૃષિ યુનિ.ના અધ્યાપક શિવરાજ સીંગ, શાશ્વત યોગિક ખેતીના ગીતા દીદી, ડો. બી.આર. નાકરાણી, કિશોરભાઇ પરમાર, મગનભાઇ આહીર, અજયભાઇ ટાંક, નાયબ નિયામક ખેતી (તાલીમ)ના કિરણાસિંહ વાઘેલા સહિતે માર્ગદર્શન આપ્યું હતું. મગનભાઇ આહીરે એવોર્ડ બદલ લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, રાજ્યમાં સામાન્ય ખેડૂતની પણ યોગ્ય કદર કરાય છે.  પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી શિહોરાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. અંજાર તા.પં.ના પ્રમુખ ગાવિંદભાઇ આહીર, અગ્રણી મ્યાજરભાઇ આહીર, જમીન વિકાસ બેન્કના માદેવાભાઇ આહીર, નિખિલભાઇ સોરઠિયા, દેવજીભાઇ સોરઠિયા, ગોપાલભાઇ આહીર, જે.પી. ગુપ્તા, ખરીદ વેચાણ સંઘના ત્રિકમભાઇ આહીર, નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી ડો. વિમલ જોષી, જિલ્લા પશુપાલન અધિકારી શ્રી બ્રહ્મક્ષત્રિય વિ. ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer